રહેણાંક મકાનમાં ધમધમતો નકલી ઘીનો વેપલો પકડાયો
મહાપાલિકાની ફૂડ શાખાનો રણછોડનગર-૫માં આવેલા `મહેશ કુંજ’માં દરોડો: સનફ્લાવર તેલમિશ્રિત ૩૦ કિલો ઘી, ૧૩૪ લિટર તેલ સીઝ
રાજકોટમાં હવે તો ક્યાંક શુદ્ધ અને સાત્વીક ભોજન કે ખાદ્યપદાર્થ મળી જાય તો જ નવાઈ પામવા જેવું રહે છે ! સ્થિતિ એવી છે કે દર બીજો-ત્રીજો વેપારી ભેળસેળીયો પદાર્થ લોકોને ધાબડીને આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. આવા ધંધાર્થીઓ ઉપર મહાપાલિકાની ફૂડ શાખા સપ્તાહમાં બે વખત દરોડા પાડીને નમૂના લેવા, અખાદ્ય પદાર્થનો જથ્થો સીઝ કરવા સહિતની કાર્યવાહી કરતી હોય છે. આ સિલસિલામાં ફૂડ શાખાએ રણછોડનગર-૫માં આવેલા રહેણાક મકાનમાં ધમધમતાં ઘીના વેપલા પર દરોડો પાડીને ૩૦ કિલો ઘી અને ૧૩૪ લીટર તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
ફૂડ શાખાએ રણછોડનગર-૫ કોર્નર, વેકરિયા રોડ પર અનંત મુળજીભાઈ લુણાગરિયાના `મહેશ કુંજ’ નામનું મકાન કે જ્યાંથી શુદ્ધ ઘી (લુઝ)નો વેપાર થઈ રહ્યો હતો ત્યાં ચેકિંગ કર્યું હતું. અહીંથી જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સન ફ્લાવર ઓઈલના પેક્ડ ટીન જોવા મળ્યા હતા. આ અંગે અનંતની પૂછપરછ કરવામાં આવતાં તેણે સ્વીકાર કર્યો હતો કે તે શુદ્ધ ઘીનું અહીંથી જ વેચાણ કરી રહ્યો છે. જો કે ફૂડ શાખાએ સઘન તપાસ કરતાં ઘીમાં રિફાઈન્ડ સન ફ્લાવર ઓઈલની ઘીમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા જતાં તેલ અને ઘી બન્નેના નમૂના લેવામાં આવ્યા હતા સાથે સાથે અહીં સંગ્રહીત કરાયેલો ઘી-તેલનો જથ્થો પણ સીઝ કરી દેવામાં આવ્યો હતો અને બન્નેના નમૂના લેવામાં આવ્યા હતા.