‘ક્રિસ્ટલ’ મોલ પાર્કિંગ ‘ભંગાર’ જેવી સુવિધા, રાણી ટાવર `ઘરની ધોરાજી’
જ્યાં સવાર-સાંજ લોકો ખરીદી કરવા આવે છે ત્યાં રીતસરનો `ટ્રાફિક ટેરર’
મોલ દ્વારા પાર્કિંગ માટેની અમુક જગ્યા પર બાંધી દેવાઈ સાંકળ !
સેલર હોવા છતાં લોકો બહાર જ વાહન પાર્ક કરતા હોય વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ
રાજકોટમાં મોલ કલ્ચર' ધીમે-ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને લોકો મોલમાંથી ખરીદી કરવા તરફ વળી રહ્યા છે...અત્યારે ઘણાખરા મોલમાં સવાર-સાંજ લોકોની ગીર્દી જોવા મળી રહી છે. આવો જ એક મોલ કાલાવડ રોડ પર આવેલો છે જેનું નામ છે ક્રિસ્ટલ મોલ...સામાન્ય રીતે ક્રિસ્ટલની ઓળખ કાચા હિરા તરીકે થાય છે પરંતુ આ ક્રિસ્ટલ મોલની પાર્કિંગ વ્યવસ્થા એકદમ
ભંગાર’ જેવી હોવાનું ખુદ અહીં ખરીદી કરવા આવનારા લોકોએ જ વોઈસ ઓફ ડે' સમક્ષ રોષપૂર્વક જણાવ્યું હતું ! આવી જ સ્થિતિ મોલની સામે આવેલા રાણી ટાવરની છે જ્યાં પણ
ઘરની ધોરાજી’ ચલાવવામાં આવી રહી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
લોકોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે મોલ દ્વારા વીઆઈપી પાર્કિંગ માટે એક જગ્યા રાખવામાં આવી છે જ્યાં બહુ જૂજ વખત પાર્કિંગ થઈ રહ્યું છે ત્યારે અહીં વાહન પાર્ક ન હોય ત્યારે મોલના સ્ટાફ દ્વારા સાંકળ બાંધીને જગ્યા બંધ કરી દેવામાં આવે છે ! આવું શા માટે કરવામાં આવી રહ્યું હશે તે તો મોલ સંચાલક જ જાણતા હશે પરંતુ આ જગ્યા ખુલ્લી રાખવામાં આવે તો અહીં ઘણાખરા ટુ-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકે છે કેમ કે અહીં દરરોજ કોઈ જ વીઆઈપી પાર્કિંગ થઈ રહ્યું નથી.

બીજી બાજુ વોઈસ ઓફ ડે'ના ધ્યાન ઉપર એવું પણ આવ્યું છે કે મોલ પાસે પોતાનું પાર્કિંગ છે પરંતુ ત્યાં લોકો વાહન પાર્ક કરવાનો આગ્રહ રાખતા નથી અને રોડ ઉપર જ ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર રાખીને ચાલ્યા જાય છે જેના પરિણામે જાહેર રસ્તો હોવાથી ત્યાંથી પસાર થનારા વાહનોને અગવડ પડે છે અને ઘણી વખત તો અકસ્માત સહિતના બનાવો પણ બનતા હોવા ઉપરાંત માથાકૂટના વરવા દૃશ્યો પણ અહીં જોવા મળે છે !આ સમસ્યાનો ઉકેલ એકમાત્ર એ જ છે કે મહાપાલિકા દ્વારા અહીં પાર્કિંગની વ્યવસ્થા સુચારું રૂપે કરાવવી જોઈએ અથવા તો ટ્રાફિક પોલીસે અહીં નિયમિત ચેકિંગ કરીને આડેધડ વાહન પાર્ક થયા હોય તો તેને તાત્કાલિક ટોઈંગ કરીને તેના માલિકને દંડરૂપી સબક શીખવવો જોઈએ. હવે વાત ક્રિસ્ટલ મોલની સામે આવેલા કોમર્શિયલ અને રેસિડેન્શીયલ બિલ્ડિંગ રાણી ટાવરની આવે છે જ્યાં પણ સ્થિતિ દિવસેને દિવસે વિકરાળ બની રહી છે.
અહીં નિયમ વિરુદ્ધ જઈને
ગેસ્ટ પાર્કિંગ બહાર’ એવું લખાણ ભીંત ઉપર લખી નાખવામાં આવ્યું છે એટલા માટે જો અહીં અંદર કોઈ પોતાનું વાહન પાર્ક કરવાનો પ્રયત્ન કરે એટલે તેને પાર્ક કરવા દેવામાં આવતું ન હોવાની રાવ લોકો કરી રહ્યા છે. અંદર પાર્કિંગ કરવા દેવામાં આવતું ન હોવાથી લોકો ત્યાં આવેલી દુકાન બહાર પોતાનું વાહન પાર્ક કરીને ચાલ્યા જાય છે. ઘણાખરા કિસ્સાઓમાં તો લોકો કલાકો સુધી પોતાનું વાહન ત્યાં પાર્ક કરી દેતા હોવાથી લોકોને રીતસરની અગવડ પડી રહી છે એટલા માટે અહીં પણ પોલીસનો નિયમિત `રાઉન્ડ’ આવે તે જરૂરી બની જાય છે.

મનપાના એકેય અધિકારી-પદાધિકારીના ઘર-ઓફિસ બહાર આ રીતે પાર્કિંગ થાય તો?વોઈસ ઓફ ડે'ની ઝુંબેશ બાદ લોકો રોષપૂર્વક એવા વાક્બાણ પણ છોડી રહ્યા છે કે જે રીતે શહેરના અન્ય વિસ્તારોમાં જગ્યા મળે ત્યાં વાહન પાર્ક કરી દેવામાં આવી રહ્યું છે છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ રહી નથી ત્યારે જો આ જ રીતે મહાપાલિકા કે પોલીસ તંત્રના એક પણ અધિકારી અથવા તો કર્મચારીના ઘર કે ઓફિસ બહાર કોઈ વાહન પાર્ક કરીને જતું રહે તો શું તે વાહન ટોઈંગ થયા વગર રહી શકે ? લોકોનો આ સવાલ વ્યાજબી પણ લાગી રહ્યો છે કેમ કે જો પોતાના ઘર કે ઓફિસ બહાર ગેરકાયદેસર વાહન પાર્ક થવા ન દેવામાં માનતા અધિકારીઓ કે પદાધિકારીઓ શહેરના અન્ય વિસ્તારમાં શા માટે આડેધડ વાહન પાર્ક થવા દે છે ? મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશના ભાગરૂપે જાહેરમાં પાન-ફાકીની પીચકારી મારતા હોય તેવા ચાલકોને દંડરૂપી ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ જ કેમેરાને આડેધડ વાહન પાર્કિંગ કેમ દેખાઈ રહ્યું નહીં હોય ? શું ગેરકાયદે પાર્કિંગને અને મનપાને લાગતું-વળગતું નહીં હોય કે પછી માત્ર પાન-ફાકી ખાઈને થૂકે તેને જ પકડવાનો
આદેશ’ આપવામાં આવ્યો હશે ?
તમને પણ સતાવી રહી છે પાર્કિંગની સમસ્યા? તો આ નંબર ઉપર જણાવો ૯૯૧૩૨ ૮૫૮૦૧
રાજકોટનો કોઇપણ વિસ્તાર એવો નહીં હોય જયા પાર્કિંગની સમસ્યા ન ઉદ્ભવતી હોય ત્યારે `વોઇસ ઓફ ડે’ દ્વારા લોકોની પીડાને તંત્ર સુધી પહોંચાડી તેનો સુચારું ઉકેલ આવે તે દિશામાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. રાજકોટના કોઇપણ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને પાર્કિંગને લઇને કોઇ સમસ્યા સતાવી રહી હોય અથવા તો આ સમસ્યા વિશે તેમણે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઇ નિવેડો ન આવી રહ્યો હોય તો હવે આવા લોકો અમારો સંપર્ક સાધી શકશે. તમારે વધુ કંઇજ નથી કરવાનું માત્ર તમને જયા પાર્કિંગની સમસ્યા સતાવી રહી હોય તે સ્થળનો ફોટો તેમજ તમારું નામ અને સમસ્યા જે વિસ્તારમાં સર્જાતી હોય તે વિસ્તારનું નામ સહિતની વિગતો મો.નં.૯૯૧૩૨ ૮૫૮૦૧ ઉપર મોકલી શકાશે. આ પછી તસવીરને અખબારમાં પ્રસિધ્ધ કરી તંત્રનો કાન આમળવામાં આવશે સાથે સાથે બને એટલી ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરાશે.