ચૂંટણી ફરજમાં બહાના નહીં ચાલે ! 125 કર્મચારીઓનું પેનલ મેડિકલ ચેકઅપ કરવા આદેશ
જિલ્લામાં 200 જેટલા કર્મચારીઓએ બીમારીના બહાના રજૂ કરતા પ્રેગ્નેન્સી અને ગંભીર પ્રકારની બીમારીના 50 કિસ્સામાં ચૂંટણી ફરજમુક્તિ અપાઈ
રાજકોટ : આગામી લોકસભા ચૂંટણી દરમિયાન પોલિંગ, પ્રિસાઇડીંગ ઓફિસર સહિતની વિવિધ ચૂંટણી ફરજ માટે 19 હજાર જેટલા કર્મચારીઓની યાદી ફાઇનલ કરી લેવામાં આવી છે ત્યારે 200 જેટલા કર્મચારીઓ દ્વારા વિવિધ કારણોસર ચુંટણી ફરજમાંથી મુક્તિ માંગતા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા 50 જેટલા જેન્યુઈન કિસ્સામાં ચૂંટણી ફરજમાંથી કર્મચારીઓને મુક્તિ આપી બાકીના 125થી વધુ કર્મચારીઓના સિવિલ હોસ્પિટલમાં પેનલ ડોક્ટર પાસે મેડિકલ તપાસ કરાવવા આદેશ કરવામાં આવતા બહાનેબાજ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ આગામી લોકસભા ચૂંટણીને લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ઉપરાંત બેન્ક, ઇન્કમટેક્સ, સહિતની કચેરીઓના 19000 જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ માટે ઓર્ડર કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક કિસ્સામાં વિવિધ બીમારીઓના બહાના રજૂ કરી કર્મચારીઓ દ્વારા ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગવાં આવતા સામાન્ય ગણાતી બીમારીઓ શંકાસ્પદ લાગતા જિલ્લા ચૂંટણી અધિકારી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક નિવાસી કલેકટર દ્વારા આવા શંકાસ્પદ બહાના રજૂ કરી ફરજમુક્તિ માંગનાર 125 જેટલા કર્મચારીઓની અલગ યાદી તારવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પેનલ પાસે બીમાર હોવાનું સર્ટી રજૂ કરનાર કર્મચારીઓનું પેનલ તબીબી પરીક્ષણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ ગર્ભવતી મહિલા કર્મચારીઓ અને ગંભીર બીમારી ધરાવતા 50 જેટલા સરકારી કર્મચારીઓને ફરજમુક્તિ આપવામ આવી છે પરંતુ શંકાસ્પદ ગણાતા 125 જેટલા કિસ્સામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેડન્ટને લેખિત પત્ર પાઠવી તબીબી પરીક્ષણ શરુ કરી રિપોર્ટ મંગાવામાં આવ્યા છે જે રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ખોટા તબીબી પ્રમાણપત્ર આપનાર તબીબ તંત્રની ઝપટે ચડશે
ચૂંટણી ફરજમાંથી મુક્તિ માટે જુદી-જુદી બીમારીના બહાના રજૂ કરનાર તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવા જિલ્લા ચૂંટણીતંત્રએ આદેશ કરતા હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેનલ તબીબો દ્વારા પરીક્ષણ શરૂ કરાયું છે અને તબીબી રિપોર્ટ બાદ ખોટા પ્રમાણપત્ર રજૂ કરનાર કર્મચારીઓ ઉપરાંત આવા સર્ટિફિકેટ આપનાર તબીબ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવનાર હોવાં સંકેત ચૂંટણીતંત્રએ આપ્યા હતા.