સસ્તા અનાજના દુકાનદાર સિવાય ત્રાહિત વ્યક્તિ દુકાન નહીં ચલાવી શકે
વ્યાજબી ભાવની દુકાનોમાં ચાલુ માસથી ઈ-પ્રોફાઇલનો અમલ નહીં
પરવાનેદારો માંદગીને કારણે હાજર ન રહી શકે તેવા કિસ્સામાં વિકલ્પ આપવા રજુઆત
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોમાં ત્રાહિત વ્યક્તિ સંચાલન ન કરી શકે તેવા ઉદેશ્યથી પુરવઠા વિભાગે તમામ દુકાનોમાં ફરજીયાત પણે પરવાનેદારોની ઈ-પ્રોફાઈલ બનાવી ફિંગરપ્રિન્ટ આપ્યા બાદ જ વિતરણ વ્યવસ્થા શરૂ થાય તેવી સિસ્ટમ ચાલુ માસથી અમલી બનાવતા દેકારો બોલી ગયો છે ત્યારે અનેક પરવાનેદારો બીમારી સબબ હાજર ન રહી શકે તેવા કિસ્સામાં વિકલ્પ આપવા ફેર પ્રાઈઝ સોપ એસોશિએશન દ્વારા માંગણી કરવામાં આવતા ચાલુ મહિને આ ઈ-પ્રોફાઈલનો અમલ મુલતવી રાખવામાં આવ્યો છે.
રાજકોટ ફેરપ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ હિતુભા ઝાલાના જણાવ્યા મુજબ રાજ્યભરની સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ માટે તા. 14 નવેમ્બરથી ઈ -પ્રોફાઈલ ફરજિયાત કરવામાં આવી છે. પરંતુ રાજ્યની અસંખ્ય દુકાનોમાં ઈ-પ્રોફાઇલ કંપ્લીટ ન થવાના કારણે વિતરણ ઠપ્પ થઈ ગયું હતું રાજ્ય એસોસિયેશન દ્વારા આવી દુકાનોમાં વિતરણ શરૂ થાય એ માટે સરકારનું ધ્યાન દોરીને જે દુકાનનું ઈ-પ્રોફાઇલ કંપ્લીટ નથી થયું હોય એવી દુકાનોને જૂની પદ્ધતિથી વિતરણ કરવા માટેની છૂટની માંગણી કરવામા આવતા આ માંગણીને સ્વીકારવામાં આવી છે જેથી ચાલુ માસ દરમિયાન જુની પધ્ધતીથી વિતરણ થઈ શકશે તેથી જે દુકાનદારોને ઈ-પ્રોફાઇલ કંપ્લીટ નથી થઈ તેવા દુકાનદારોને રાહત થઈ છે અને અસંખ્ય ગ્રાહકોને જથ્થો ન મળવાથી જીવ અધ્ધર હતા તેઓને હવે જથ્થો મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા દરેક દુકાનદારોની ઈ પ્રોફાઇલ બનાવવામાં આવી હતી જેના અનુસંધાને દુકાનદાર પોતે દુકાને બેસે અને પોતાની જાતે વિતરણ કરે એવો સરકારનો આશય હતો જેથી કોઈ ડુપ્લીકેટ વ્યક્તિ કે બહારની વ્યક્તિ ઘુસી ન શકે અને કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય આ માટે ઈ પ્રોફાઈલ લાગુ કરવામા આવી છે. જો કે, હજુ પણ રાજ્યમાં ઘણા બધા એવા દુકાનદારો છે કે જેવો અશક્ત છે બીમાર છે અથવા તો તેઓના ફિંગર પ્રિન્ટ ઘસાઈ ગયા છે આવા દુકાનદારોની પ્રોફાઈલ કંપ્લીટ હોવાના કારણે પોતે દુકાને બેસી અને વિતરણ કરી શકે એમ નથી તેઓ માટે પણ કંઈક વ્યવસ્થા કરવા માટે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ સોપ એસોસિએશને પુરવઠા મંત્રીને પત્ર લખીને આવી દુકાનનુ વિતરણ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી માંગણી કરી છે જેથી રાજ્યના ગરીબ લોકોને સમયસર અનાજ મળી શકે અને પુરવઠાની વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે.