એ ગઈ રાજકોટમાં હવે સાયકલો પણ સલામત નથી !
રાજકોટમાંથી અત્યાર સુધીમાં બાઈક-સ્કૂટર-રિક્ષા-કાર સહિતના વાહનોની ચોરી તો રોજીંદી થતી જ હતી પરંતુ હવે તો સાયકલો પણ સલામત ન રહી હોય તેમ તેની ચોરીઓ થવા લાગતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. શહેરના જામનગર રોડ ઉપર નાગેશ્વર જૈન દેરાસરની પાછળ આવેલા અંજલી પેલેસમાંથી અલગ-અલગ ચાર જેટલાં મહિલાઓની 31 હજાર રૂપિયાની કિંમતની ચાર સાઈકલ ચોરાઈ જતાં તેની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે અંજલી પેલેસમાં રહેતાં હિતેશભાઈ વિરાભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની માલિકીની એક સાયકર કે જેની કિંમત 7100, એપાર્ટમેન્ટમાં જ રહેતા જ્યોતિબેન કાપડીયાની 10,000 રૂપિયાની સાયકલ, લક્ષ્મીબેન મોહરાની 7000ની કિંમતની સાયકલ તેમજ ડોલીબેન આચાર્યની ચાર હજાર રૂપિયાની કિંમતની સાયકલની ચોરી થઈ ગઈ છે. આ ઉપરાંત પ્રવીણભાઈ નાગલા નામના વ્યક્તિની સાત હજારની કિંમતની સાયકલ ઉપરાંત ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં પરસોત્તમભાઈ જોગીયાણીએ તેમના ઘરની બહાર રાખેલી રિક્ષાના પાછળના બે ટાયરની ચોરી તસ્કરો દ્વારા કરવામાં આવી છે. આમ તસ્કરોએ એક જ ફેરામાં 38100ની મત્તાની ચોરી કરી હોય તેને દબોચી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.