તહેવારો પૂર્વે પણ સસ્તા અનાજની દુકાનો બંધ: નિગમ અને પુરવઠા વચ્ચે સંકલનનો અભાવ
હડતાલનું નિરાકરણ આવ્યા બાદ અનાજ, તુવેરની દાળનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી ન મળતા કાર્ડ ધારકોની દિવાળી બગડી
પુરવઠા અધિકારીએ ચાર્જ સંભાળ્યા બાદ કામગીરીના ભારણના પગલે સસ્તા અનાજના વેપારીઓની સાથે ચર્ચા ન કરતા વેપારીઓ અવઢવમાં
તાજેતરમાં રાજ્યના સસ્તા અનાજના વેપારીઓની હડતાલનું નિરાકરણ આવ્યા બાદ પરવાનેદારો દુકાન ખોલવા તૈયાર હતા પરંતુ નિગમના ગોડાઉનમાંથી અનાજનો પુરતો જથ્થો ન મળતા આખરે દુકાનો ચાલુ રાખવાનું માંડી વાળ્યું. બીજી તરફ સસ્તા અનાજના વેપારીઓ દ્વારા અવારનવાર પુરવઠામાં સતત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે. પરિણામે ગરીબ કાર્ડધારકોને અનાજ તેમજ તુવેરની દાળ મળવી મુશ્કેલ બની ગઈ છે. આજે તહેવાર પૂર્વેનો છેલ્લો દિવસ છે ત્યારે હવે કાર્ડધારકોને તા.૧૫ નવેમ્બર બાદ અનાજ મળવાની શક્યતા છે. જો કે, રજાના પગલે નિગમના ગોડાઉનમાંથી જથ્થો મળવો મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી રાજકોટમાં સસ્તા અનાજના વેપારીઓને સમયસર અનાજ તેમજ તુવેરની દાળનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી મળતો ન હોવાની વ્યાપક ફરિયાદો બાદ પણ પુરવઠા અધિકારી આ બાબતે નિગમ સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરતું ન હોવાથી એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે પુરવઠા અને નિગમ વચ્ચે સંકલનનો અભાવ છે. સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારો દ્વારા અનાજ ન મળતા મોટાભાગના વેપારીઓએ દિવાળીની રજા જાહેર કરી દીધી છે. અનાજનો જથ્થો નિગમના ગોડાઉનમાંથી ક્યારે મળશે તે બાબતે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. બીજી તરફ દુકાન ખુલ્લી રાખવામાં આવે તો કાર્ડધારકો અને વેપારી વચ્ચે સંઘર્ષના બનાવો બને છે અને ક્યારેક ચકમક ઝરે છે પરિણામે જ્યાં સુધી અનાજ ન આવે ત્યાં સુધી દુકાન ન ખોલવાનો નિર્ણય લીધો છે.