રાજકોટમાં રોગચાળાના રાસ !
તહેવારો ટાણે જ ઘાતક રોગનો ઉપાડો': ૭ દિ'માં ડેંગ્યુના ૧૨, ચિકનગુનિયા-મેલેરિયાના-ટાઈફોઈડના ૩-૩ દર્દી: શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઊલટી તો ભૂક્કા કાઢે છે; ૧૦૩૫ કેસ
નવરાત્રીનો ધૂમધડાકા સાથે પ્રારંભ થયો છે. નવ દિવસ ખેલૈયાઓ રાસ રમવા માટે તો ભાવિકો મા જગદમ્બાની ભક્તિમાં લીન થઈ ગયા છે ત્યારે ભક્તિભાવના માહોલ વચ્ચે રોગચાળાએ રાસ લેવાનું શરૂ કરતાં લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. રોગચાળાની સ્થિતિ એટલ ભયંકર છે કે અત્યારે દર ત્રીજી વ્યક્તિબીમાર’ પડેલી દેખાઈ રહી છે ! આ વાતની ગવાહી મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક રોગચાળાના રિપોર્ટ પરથી મળી રહી છે.
આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે તા.૯-૧૦-૨૦૨૩થી તા.૧૫-૧૦-૨૦૨૩ સુધીના સાત દિવસ દરમિયાન રાજકોટમાં ડેંગ્યુના ૧૨ (વર્ષના ૧૧૯), મેલેરિયાના ૩ (વર્ષના ૩૦), ચિકનગુનિયાના ૩ (વર્ષના ૪૯), ટાઈફોઈડના ૩ (વર્ષના ૧૧), શરદી-ઉધરસના ૭૭૧ (વર્ષના ૧૪૮૦૮), સામાન્ય તાવના ૫૯ (વર્ષના ૧૭૩૬) અને ઝાડા-ઊલટીના ૨૦૫ (વર્ષના ૪૯૭૦) કેસ નોંધાયા છે.
બીજી બાજુ ડેંગ્યુ સહિતના રોગચાળા માટે મચ્છરોની ઉત્પતિ જ જવાબદાર હોય શહેરમાં ઠેર-ઠેર તેનો ઉપદ્રવ જોવા મળતાં આરોગ્ય શાખા દ્વારા ૩૫૬ રહેણાક, ૯૮ કોમર્શિયલ મિલકતોને નોટિસ તો ૬૩ લોકો સામેથી ૭૪૬૫૦ના દંડની વસૂલાત કરી છે.
