૨૫મીએ રાજકોટમાં PMની જાહેરસભામાં બપોરે અઢી વાગ્યાથી પબ્લિકને એન્ટ્રી
વડાપ્રધાનના રાજકોટ એઇમ્સ લોકાર્પણ કાર્યક્રમમાં ચકલું પણ નહીં ફરકી શકે! કાર્યક્રમ અંગે વિગતો આપતા કલેકટર પ્રભવ જોશી
આગામી તા,૨૫ના રોજ રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ સહિત પાંચ એઈમ્સના લોકાર્પણ અને જાહેરસભા કાર્યક્રમ અંગે ગુરુવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારકાથી સીધા જ એઇમ્સ ખાતે બપોરે ૩.૨૦ કલાકે હેલીકૉપટર મારફતે આવી એઇમ્સનું લોકાર્પણ કરશે જ્યાં પબ્લીકને એન્ટ્રી નથી, સાથે જ વડાપ્રધાનની રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેરસભામાં લોકોને બપોરે ૨.૩૦ કલાકથી એન્ટ્રી અપાશે. રેસકોર્ષ ખાતેથી વડાપ્રધાનના હસ્તે રાજકોટ જિલ્લાના કુલ ૩૨૯૩ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા.૨૫મીએ એઇમ્સ લોકાર્પણ બાદ વડાપ્રધાન સીધા જ રાજકોટના જુના એરપોર્ટ ખાતે આવશે જ્યાંથી રોડ-શો બાદ જાહેરસભા કાર્યક્રમમાં પબ્લીક વચ્ચેથી અભિવાદન જીલતા જીલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્ટેજ સુધી પહોંચનાર હોવાનું જણાવ્યું હતું, તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ ખાતેથી પીએમના હસ્તે સમગ્ર સૌરાષ્ટ્રના અનેક વિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે પરંતુ હજુ સત્તાવાર આંકડો ફાઇનલ થયો નથી. જો કે કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લાના એઇમ્સ, ઝનાના, હાઇવે પ્રોજેક્ટ, પાણી પુરવઠા યોજના તેમજ વિદ્યુતીકરણના કુલ મળી ૩૨૯૩ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત ફાઈનલ થયા હોવાનું જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેકટરે ઉમેર્યું હતું કે, રાજકોટ ખાતે જાહેરસભામાં વડાપ્રધાનના આગમન પૂર્વે લોકગાયિકા ગીતાબેન રબારીના કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ એઇમ્સમાં પબ્લીકને એન્ટ્રી ન હોય એઇમ્સ લોકાર્પણ કાર્યક્રમનું રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લાઈવ પ્રસારણ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ રાજકોટ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યના મંત્રીઓમાં ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, મુકેશ પટેલ તેમજ સાંસદ વિનોદ ચાવડા, મોહન કુંડારીયા, રમેશ ધડુક,ભાનુબેન બાબરીયા તેમજ અન્ય ધારાસભ્યો જોડાનાર હોવાનું જણાવ્યું હતું.સાથે જ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના ૧૧ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત રાજકોટથી થનાર હોય કેન્દ્રીય સચિવો અને રાજ્યના સચિવો પણ રાજકોટમાં એક દિવસ અગાઉથી જ પડાવ નાખનાર હોવાનું જણાવ્યું હતું.