સર્વેશ્વર ચોકના શિવમ ૧-૨ બિલ્ડિંગની ૧૦૦ ઑફિસ-દુકાનમાં `પ્રવેશબંધી’
સ્લેબ તૂટી પડવાની ઘટનાના ઘેરા પડઘા: મનપા તંત્ર જાગ્યું મોડે મોડેથી !
જ્યાં સુધી બિલ્ડિંગ બરાબર છે તેવો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી માલિકોને કે અન્ય કોઈને અંદર જવા નહીં દેવા મહાપાલિકાની નોટિસ: જો બિલ્ડિંગને મરામતની જરૂર હશે તેવો રિપોર્ટ આવશે તો પહેલાં રિપેરિંગ કામ કરાવવું પડશે: દુકાન-ઑફિસમાલિકોમાં દેકારો
સર્વેશ્વર ચોકમાં રવિવારે રાત્રીના સમયે નાલા પરનો સ્લેબ તૂટી પડવાની ગોઝારી ઘટનાના શહેર આખામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બીજી બાજુ મહાપાલિકા તંત્ર પણ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને દોડવા માંડ્યું હોય તેવી રીતે આખા શહેરના વોંકળા પર ખડકાઈ ગયેલા દબાણો દૂર કરવા મથવા લાગ્યું છે. આ બધાની વચ્ચે જ્યાં આ ઘટના બની તે સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ-૧ અને શિવમ-૨ બિલ્ડિંગમાં સવારે જ મહાપાલિકાના કાફલાએ ત્રાટકીને બન્ને કોમ્પલેક્સમાં દુકાનો-ઑફિસના માલિકો તેમજ બહારથી આવનારા લોકોને કોમ્પલેક્સમાં જવા પર પ્રવેશબંધી ફરમાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે શિવમ-૧ અને શિવમ-૨ બિલ્ડિંગનું બાંધકામ નબળું પડી ગયું હોવાનું લાગતાં જ બાંધકામ, ફાયરબ્રિગેડ સહિતની શાખાઓના અધિકારીઓએ દોડી જઈને પ્રવેશબંધી ફરમાવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ બિલ્ડિંગ બરાબર છે તેવો સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આ રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી પ્રવેશબંધી અમલમાં રહેશે. મહાપાલિકાની નોટિસ મળતાં જ કોમ્પલેક્સના દુકાન-ઑફિસધારકોમાં દેકારો બોલી ગયો હતો.
દરમિયાન સ્ટ્રક્ચરલ એન્જિનિયર અશ્વિન લોઢિયા તેમજ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા આખાયે બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યા બાદ નોટિસ ફટકારવાની કાર્યવાહી કરી છે. એકંદરે આ બિલ્ડિંગ ઠીક છે તેવો રિપોર્ટ અથવા તો બિલ્ડિંગને સમારકામ કરાવવાની જરૂરિયાત છે તેવો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો બિલ્ડિંગ રિપેરિંગની જરૂર જણાશે તો પહેલાં રિપેરિંગ કામ કરવામાં આવશે અને ત્યારપછી જ લોકોને અંદર પ્રવેશ મળશે.
જ્યાં સુધી રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી કોઈને પ્રવેશ નહીં અપાય: એચ.એમ.કોટક
આ અંગે મહાપાલિકાની બાંધકામ શાખાના એડિશનલ સિટી એન્જિનિયર એચ.એમ.કોટકનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વૉઈસ ઑફ ડે’ને જણાવ્યું હતું કે બન્ને બિલ્ડિંગના ૧૦૦ જેટલા ઑફિસ-દુકાન માલિકોને કલમ-૨૬૮ મુજબ નોટિસ આપવામાં આવી છે. હવે તેમણે પહેલાં બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવવાનો રહેશે. તે આવી ગયા બાદ જ પ્રવેશ આપવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. આ રિપોર્ટ એક દિવસમાં કરાવે તો એક દિવસ, સાત દિવસમાં કરાવે તો સાત દિવસ પરંતુ એ આવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અત્યારે કોઈ દુકાન કે ઑફિસમાં કિંમતી સામાન રહી ગયો હોય તો તે લેવા જવા દેવામાં આવે છે પરંતુ કોઈને અંદર બેસવા દેવામાં આવતા નથી.
દૂર્ઘટના બની એટલે ભાન થયું, નહીંતર ચાલતું જ રહેવાનું હતું ?
લોકોએ મહાપાલિકા પ્રત્યે રોષ વ્યક્ત કરતા એમ પણ જણાવ્યું કે સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ તંત્રને ભાન થયું છે. જો આ ઘટના ન બની હોત તો શું શિવમ-૧ અને શિવમ-૨ બિલ્ડિંગમાં પ્રવેશબંધી ફરમાવામાં આવી હોત ? શું આમને આમ જ ચાલવા દેવાતું હોત ને ? આમ ચાલવા દેવાયું હોત તો ભવિષ્યમાં શિવમ બિલ્ડિંગમાં પણ દૂર્ઘટના બની શકે તેમ હતી !