મતદારયાદીમાં નામ ઉમેરવા ઉત્સાહ, એક જ દિવસમાં 4045 અરજી
મતદાન મથકે જ નોંધણી ઝુંબેશને જોરદાર પ્રતિસાદ
રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશમાં નામ ઉમેરવા, સુધારા વધારા માટે કુલ 10,602 અરજી આવી
રાજકોટ : ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર યાદી સુધારણા માટે હાથ ધરાયેલ કામગીરી અંતર્ગત રવિવારે તમામ મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશના ભાગરૂપે મતદાર યાદી સુધારણા કામગીરી કરવામાં આવતા લોકોએ જબરો પ્રતિસાદ આપી એક જ દિવસમાં રાજકોટ જિલ્લામાં આવેલ આઠ વિધાનસભા બેઠકમાં કુલ 4045 નાગરિકોએ મતદાર યાદીમાં નામ નોંધાવવા અરજી કરી હતી સાથે જ આ ઝુંબેશમાં કુલ 10,602 નાગરિકોએ સુધારા વધારા અને નામ રદ કરાવવા સહિતની અરજી કરી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.29 ઓક્ટોબરથી 28 નવેમ્બર દરમિયાન મતદારયાદી સુધારણા ઝુંબેશ શરૂ કરાવતા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 01-01-2025ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર નાગરિકોના નામ નોંધણી માટે ઝુંબેશ શરૂ કરી છે જે અન્વયે તા.17 નવેમ્બરને રવિવારના રોજ રાજકોટ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોના મતદાન મથકો ઉપર ખાસ ઝુંબેશ યોજતા આ ઝુંબેશ દરમિયાન મતદાર યાદીમાં નામ નોંધવા 4045 અરજી આવી હતી જયારે આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા માટે 229 અરજી, નામ રદ કરવા માટે 1025 અરજી તેમજ મતદાર યાદીમાં નામ સુધારા-વધારા માટે 5303 મળી કુલ 10,602 અરજીઓ તંત્ર સમક્ષ આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં મતદાર નોંધણી માટે સૌથી વધુ અરજીઓ જસદણ બેઠકમાં 748, રાજકોટ ગ્રામ્યમા 737, જેતપુરમાં 592, રાજકોટ પૂર્વમાં 481, ધોરાજીમાં 472, રાજકોટ પશ્ચિમમાં 347, રાજકોટ દક્ષિણમાં 338 અને ગોંડલમાં 330 અરજીઓ આવી હતી.એ જ રીતે રાજકોટ જિલ્લામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે સૌથી વધુ અરજીઓ ધોરાજીમાં 204, જેતપુરમાં 190, ગોંડલમાં 176, જસદણમાં 145, રાજકોટ દક્ષિણમાં 100, રાજકોટ રૂરલમાં 91, રાજકોટ પૂર્વમાં 62 અને રાજકોટ પશ્ચિમમાં 57 અરજીઓ આવી હતી.
મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં આવેલ અરજીઓ
વિધાનસભા બેઠક – અરજીઓની સંખ્યા
રાજકોટ પૂર્વ- 1207
રાજકોટ પશ્ચિમ- 1213
રાજકોટ દક્ષિણ – 947
રાજકોટ ગ્રામ્ય – 2048
જસદણ – 1636
ગોંડલ – 773
જેતપૂર – 1464
ધોરાજી – 1314
કુલ 10,602