રાજકોટ : ડેન્ગ્યુના ભરડામાં આવતા ૨૨ વર્ષિય યુવકનું મોત, પરિવારમાં ગમગીની છવાઈ
રાજકોટ શહેરમાં પડેલા અનરાધાર વરસાદ બાદ રોગચાળો પણ વક્રી રહ્યો છે. ત્યારે અવધ રોડ પર આવેલી બાંધકામ સાઈટ પર પિતાના ઘરે વેકેશન કરવા આવેલો અને ઓરિસ્સા રહી અભ્યાસ કરતા ૨૨ વર્ષિય યુવકનું ડેન્ગ્યુની ઝપેટમાં આવતા મોત નિપજ્યું છે.
વિગતો મુજબ, શહેરમાં અવધ રોડ પર આવેલી ચૈતન્ય બાંધકામ સાઈટ પર લેબર કોન્ટ્રાકટર રમેશભાઈ શુનાનો પુત્ર અજુને ઓરિસ્સાની કોલેજમાં વેકેશન પાડતા દોઢ મહિનાથી અહી આવ્યો હતો. દરમીયાન યુવકને છેલ્લા ચાર-પાંચ દિવસ થી સતત તાવ અને માથામાં દુ:ખાવો રહેતા પ્રાથિમક દવા લીધા બાદ રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ થયો હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે ગઇકાલે સવારે યુવક તેના પિતા સાથે સાઈટ પરની ઓરડીમાં હતો ત્યારે બેભાન થઈ જતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવક ત્રણ ભાઈના વચેટ હતા.જુવાન પુત્રના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો જવા પામ્યો હતો.