રાજકોટ જિલ્લા પંચાયતમાં કર્મચારીઓએ કર્યું પેન ડાઉન
પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ વિરોધમાં જોડાયા
રાજકોટ સહિત રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુન:શરૂ કરવી તથા ફિક્સ પગારી યોજના દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવાની માંગ સાથે આંદોલનમાં જોડાયા હતા. જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પેન ડાઉન કર્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચુંટણી સમયે જ સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે. પડતર માંગણીઓનો સ્વીકાર ન થતાં કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા બુધવારે રાજ્યમાં સરકારી કર્મચારીઓના મુખ્ય પડતર પ્રશ્નો જેવા કે, સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન:શરૂ કરવી અને ફિક્સ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવાની માંગ સાથે પેન ડાઉન કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કર્મચારીઓ વિરોધમાં જોડાયા હતા. જિલ્લા પંચાયતના ગાર્ડનમાં એકઠા થઈને કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વનું છે કે, સરકાર સાથે થયેલા સમાધાન પૈકી બાકી રહેતા પ્રશ્નો જેવા કે, તા.1/4/2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, સીપીએફમાં કર્મચારીના 10 ટકા ફાળા સામે સરકારે 14 ટકા ફાળો ઉમેરવો, કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવા સહિતના પ્રશ્ને ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં અન્ય સંગઠનો પણ જોડાયા હતા.