રાજકોટના નામાંકીત તબીબને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ
સરખેજ ચોકડી પાસે ટ્રાફિક નિયમન ભંગના નામે ‘ તોડ ‘ વહીવટ
ખુલ્લેઆમ દાદાગીરી,ભ્રષ્ટાચાર અને અસભ્ય વાણી વિલાસ
અમદાવાદમાં વિદેશથી આવતા લોકોની કાર અટકાવીને કોઈ ને કોઈ બહાને કાયદાનો ડર બતાવી પોલીસ દ્વારા કરાતી રોકડી સામે ગુજરાત હાઇકોર્ટે પણ લાલ આંખ કરી છે. આવા કિસ્સાઓને કારણે ગુજરાત પોલીસ અને ગૃહ મંત્રાલયની પ્રતિષ્ઠાને હાની પહોંચે છે અને તેમ છતાં પોલીસ સુધરવાનું નામ જ નથી લેતી.તાજેતરમાં જ સાતમ આઠમની રજાઓ દરમિયાન પોલીસની ચોક્કસ પ્રકારની ‘વિશિષ્ટ કામગીરી ‘ ની આજકાલ ભારે ચર્ચા છે.પોલીસની આવી જ જોહુકમીનો રાજકોટના એક ખ્યાતનામ સિનિયર તબીબ પણ ભોગ બન્યા હતા.
બન્યું હતું એવું કે એ તબીબ અને તેમનો પરિવાર અમદાવાદથી રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે સરખેજ ચોકડી પાસે રેડ સિગ્નલ થતાં જ કાર ચાલકે બ્રેક મારી ને કાર અટકાવી દીધી હતી.એ દરમિયાન પોલીસે રેડ સિગ્નલ હોવા છતાં કાર આગળ આવી ગઈ હોવાનું જણાવી તબીબને દબડાવવાનું શરૂ કરી હતી.તબીબે સિગ્નલ બંધ થતાં જ કાર અટકાવી દેવાઈ હતી અને તેમાં ટ્રાફિક નિયમનો કોઈ ભંગ નથી થયો તેવું સમજાવવાની કોશિષ કરતા પોલીસ ઉશ્કેરાઈ ગયા હતા.એમના અસભ્ય વર્તન અને તોછડાઈ ભર્યા વાણી વિલાસ જોઈને તબીબ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. તબીબની ગાડીમાં એક બીમાર મહિલા પણ હતા અને છતાં પોલીસ મર્યાદા ચૂકી ગઈ હતી.એ સમયે અન્ય વાહનચાલકોએ પણ તબીબની તરફેણ કરીને કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નિયમ ભંગ ન થયો હોવાનું જણાવતા પોલીસ લાજવાને બદલે ગાજવા લાગી હતી. પોતાનો કક્કો ધરાર સાચો ઠેરવવા પોલીસે તબીબને ગાડી જપ્ત કરીને અલગ અલગ કલમો હેઠળ ફીટ કરી દેવાની ધમકી આપી હતી. આ ઘટના બની ત્યારે ત્યાં એકત્ર થઈ ગયેલા અન્ય વાહન ચાલકોએ એ પણ ટ્રાફિક નિયમન ભંગના મનઘડંત અર્થઘટન દ્વારા વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો રોષ પ્રગટ કર્યો હતો.તહેવારો ઉપર સહકુટુંબ ફરવા નીકળેલા અનેક પરિવારો પોલીસની આ અન્યાયી કાર્યવાહીનો ભોગ બન્યાં હોવાની લોકોએ ફરિયાદ કરી હતી.
રાજકોટના આ સિનિયર તબીબ તેમના માનવતાભર્યા અભિગમને કારણે સમાજમાં સન્માનભર્યું સ્થાન ધરાવે છે.સેંકડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની તદન મફત અથવાતો રાહતદરે સારવાર કરવા માટે પ્રખ્યાત આ દયાળુ તબીબની એ નિસ્વાર્થ સેવાનો અનેક પોલીસ પરિવારો પણ લાભ લે છે.એ જ તબીબ ને પોલીસનો આવો કડવો અનુભવ થયો તે પણ કેવી વિડંબના કહેવાય? વ્યથિત થયેલા એ તબીબે કહ્યું કે આ બનાવને કારણે ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત સુશાસનની મારી માન્યતા એક ભ્રમણા હતી તેવી અનુભૂતિ થઈ રહી છે.તોડબાજ પોલીસના આવા ઉઘાડા ભ્રષ્ટાચાર અને સંવેદનહીન અભિગમને કારણે સમાજના શિક્ષિત,સંસ્કારી અને ઉચ્ચ વર્ગમાં પણ રાજ્ય સરકારની પ્રતિષ્ઠાને પણ લાંછન લાગી રહ્યું છે ત્યારે આવા કર્મચારીઓ સામે ઉચ્ચ સ્તરેથી તપાસ કરવામાં આવે તે આવશ્યક છે.