રૂ.197 કરોડનાં બેંક ફ્રોડ મામલે રાજકોટમાં EDના ધામા
જ્યોતિ પાવર કોર્પોરેશનના સંચાલકો અને સહયોગીની ઓફીસ તથા રહેણાંક સહિત ૮ સ્થળે તપાસ
બેંક સાથે થયેલી ૧૯૭ કરોડ રૂપિયાની છેતરપીંડીના મામલામાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ (ઇડી)એ રાજકોટ અને અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે અને તપાસ શરુ કરી છે. ઇડીનાં સુત્રોએ જણાવ્યું છે કે, અમદાવાદ અને રાજકોટમાં કાર્યરત મેસર્સ જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટરોની ઓફીસ અને નિવાસસ્થાન ઉપરાંત સહયોગીઓને ત્યાં મળીને કુલ ૮ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ, રૂ.196.82 કરોડનાં બેંક ફ્રોડ કેસ મામલે જ્યોતિ પાવરનું નામ સામે આવ્યું હતું. ઇડીને વિવાદાસ્પદ એન્ટ્રી અને પ્રોપર્ટીની વિગતોનાં દસ્તાવેજ મળ્યા છે. કંપનીનાં ડિરેક્ટર કમલેશ કટારીયા અને નિલેશ કટારિયાને ત્યાં તપાસ શરુ થઇ છે.
ખોટા વ્યવહારો દર્શાવી ટેક્સ ચોરી કરીને દેશનાં અર્થતંત્રને નુકસાન પહોંચાડનારાઓ સામે ED એ બાંયો ચઢાવી છે. આ ઝુંબેશ હેઠળ ઈડીની વિવિધ ટીમે જ્યોતિ પાવરનાં અમદાવાદ અને રાજકોટ સહિત અલગ-અલગ કુલ 8 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. આ સ્થળો પરથી EDની ટીમને વિવાદાસ્પદ એન્ટ્રી, પ્રોપર્ટીની વિગતોના દસ્તાવેજ મળી આવ્યા છે.
બેંક સાથે થયેલી છેતરપીંડીના મામલામાં અગાઉ CBI એ ફરિયાદ દાખલ કરી હતી. ED એ આ મામલે હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે EDની તપાસમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.