ભૂંગળા બટેટા+દાળ પકવાન+સીંગ ટીક્કા+પુલાવ=રામભાઈ
કોઈ પણ વાનગીની એક પ્લેટ ખાવ એટલે ધરાઈ જ જાવ તેની પૂરી ગેરંટી…
૧૯૭૮થી ધોરાજી અને ૧૯૯૭થી રાજકોટમાં તરેહ તરેહની નાસ્તાની ડિશ તૈયાર કરનાર રામભાઈ પરમારે સ્વાદ ન બદલવા દીધો તે તેમનું સૌથી મોટું જમાપાસું
મસાલા પકવાન, મસાલા દાળમાં પણ રામભાઈની માસ્ટરી'

રંગીલું રાજકોટ ખાણીપીણીની જિયાફત ઉડાવવામાં કોઈને પહોંચવા દે તેવું નથી...! અહીં સવાર-બપોર-સાંજ નાની-મોટી હોટેલ-રેસ્ટોરન્ટ, ફૂડ શોપ પર કે પછી રેંકડીઓ ઉપર સ્વાદશોખીનોની ભીડ જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે. ખાનપાનમાં રાજકોટનો
વૈભવ’ કેવો છે તેનો ખ્યાલ એ જ વાત પરથી આવી જાય છે કે દરેક રાજ્ય, દરેક શહેર, દરેક ગામની વાનગી અહીં સરળતાથી મળી રહે છે અને તેનો ટેસ્ટ પણ હુબહુ ત્યાં જ જેવો જ હોય છે. હવે જ્યારે તીખાં-તમતમતાં બટેટા અને ભૂંગળાની ભાઈબંધી'ની વાત આવે ત્યારે સૌથી પહેલો ખ્યાલ ધોરાજીનો જ આવે કેમ કે ત્યાંના બટેટા-ભૂંગળા જગત આખામાં ફેમસ છે. જો કે ધોરાજીની
મોનોપોલી’ તોડતાં રાજકોટને બહુ સમય લાગ્યો નથી હવે અહીં શેરીએ શેરીએ ભૂંગળા-બટેટાની દુકાન-રેંકડી શરૂ થઈ ચૂકી છે. જો કે સૌથી ટેસ્ટી ભૂંગળા-બટેટા ખાવા હોય તો ક્યાં ખાઈ શકાય તેવું જો સ્વાદના જાણકારને પૂછવામાં આવે તો તે રામભાઈનું નામ આપ્યા વગર રહેશે નહીં…!

મવડીમાં આવેલા ચંદ્રેશનગરમાં ૧૯૯૭થી ભૂંગળા-બટેટાનું વેચાણ કરતાં રામભાઈ એટલે કે રામજીભાઈ પરમાર આમ તો મુળ ધોરાજીના છે એટલા માટે આ વાનગીમાં તેમની હથરોટી બરાબરની બેસી જવા પામી છે. એકલા ભૂંગળા-બટેટા જ નહીં બલ્કે દાળ પકવાન, સીંગ ટીક્કા, પાંચ પ્રકારના પુલાવ જો એક જ જગ્યાએ ખાવા હોય તો રામભાઈની મુલાકાત લેવી જ પડે…
રામભાઈએ ૧૯૭૮થી ધોરાજી અને ૧૯૯૭થી રાજકોટમાં તરેહ તરેહની નાસ્તાની ડિશ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું પરંતુ આટલા વર્ષો બાદ પણ તેમના સ્વાદમાં જરા અમથો ફરક આવ્યો નથી તે તેમનું સૌથી મોટું જમાપાસું છે. રામભાઈ મસાલા પકવાન અને મસાલા દાળમાં પણ `માસ્ટરી’ ધરાવતા હોવાનું તેમનું ખુદનું કહેવું છે.

અત્યારે રામભાઈ ભૂંગળા બટેટા, દાળ પકવાન, પ્લેન બટેટા, વેજ પુલાવ, મસાલા પુલાવ, આલુ પુલાવ, ભાજી પુલાવ, શીંગ ટીક્કા, ફરાળી બટેટા સહિતની વાનગીઓ પીરસી રહ્યા છે અને દરરોજ તેમને ત્યાંથી ૫૦૦થી વધુ લોકો નાસ્તો કરીને સંતોષનો ઓડકાર ખાઈને જઈ રહ્યા છે. હવે તમે અહીંનો ટેસ્ટ માણવા ક્યારે જશો ?
શહેરમાં ૧૫૦૦થી વધુ ભૂંગળા બટેટાના ધંધાર્થી પણ મારી રેસિપી સૌથી અલગ
રામભાઈ પરમારે જણાવ્યું કે શહેરમાં અત્યારે ૧૫૦૦થી વધુ ધંધાર્થી એવા છે જેઓ ભૂંગળા-બટેટાનું વેચાણ કરી રહ્યા છે. જો કે મારી રેસિપી આ બધાથી અલગ છે. સામાન્ય રીતે અન્ય સ્થળે ભૂંગળા-બટેટાની ડીશ જમો એટલે એસિડીટી સહિતની તકલીફ થવાની શક્યતા રહે છે પરંતુ હું આ ડીશ ગ્રીન મસાલા મતલબ કે લીલા મસાલામાં જ તૈયાર કરવાનો આગ્રહ રાખું છું અને પેટને માફક આવે તેટલો જ લાલ મસાલાનો ઉપયોગ કરી રહ્યો છું જેથી કરીને લોકો અહીં ખાવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
રામભાઈ પોતે, પિતા, બનેવી સહિતના ગોંડલ સ્ટેટના રસોયા રહી ચૂક્યા છે
રામભાઈ પોતે, તેમના પિતા રામશીભાઈ અને બનેવી સહિતના ગોંડલ સ્ટેટના રસોયા રહી ચૂક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અહીં તેમણે એક એકથી ચડિયાતી વાનગી તૈયાર કરીને પીરસી હતી એટલા માટે એમ કહી શકાય કે તેમનો પરિવાર સ્વાદપ્રિય વાનગી બનાવવાનું બહુ સારી રીતે જાણે છે.
સવારે ૮થી રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી સ્વાદશોખીનોનો જમાવડો
રામભાઈની રેંકડી સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ જાય છે અને રાત્રે ૮:૩૦ વાગ્યા સુધી ચાલે છે. વળી, ભાગ્યે જ એવું બને છે કે જ્યારે તેમની રેંકડી બંધ હોય મતલબ કે તેઓ બહુ ઓછી રજા રાખતાં હોવાથી શહેરના મોટાભાગના સ્વાદશોખીનો અહીંના `બંધાણી’ થઈ ગયા છે. ખાસ કરીને સવારે અને સાંજે પાંચ વાગ્યા બાદ રામભાઈને ત્યાં ખાણીપીણીના શોખીનોની કતારો લાગે નહીં તો જ નવાઈ પામવા જેવું રહેશે.
દાબેલી, પાંઉભાજી સહિતની વાનગી પીરસી પણ ઓળખ તો બટેટાથી જ મળી
રામભાઈ જણાવે છે કે તેમણે ૧૦ રૂપિયામાં પાંઉભાજી, છાશ-પાપડ ઉપરાંત દાબેલી સહિતની વાનગીઓનું વેચાણ પણ કર્યું હતું પરંતુ તેમને સાચી ઓળખ તો ભૂંગળા-બટેટાથી જ મળી છે અને અત્યારે પણ લોકો તેમને રામભાઈ બટેટાવાળા તરીકે ઓળખી રહ્યા છે. આ ઉપરાંત તેમણે મસાલા દાળનું પણ એટલું જ વેચાણ કર્યું હતું. ભુંગળા-બટેટા ઉપરાંત ચારથી પાંચ પ્રકારના પુલાવ માટે પણ લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.