મુંઝાતાં નહીંઃ પ્રદ્યુમન પાર્ક ઝૂ રજાના દિવસે પણ ચાલું રહેશે
શુક્રવારે ઝૂમાં પડતી રજા તહેવારોમાં નહીં રહેઃ મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખી પાર્કિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા વધારતી મહાપાલિકાઃ રામવન અને ગાંધી મ્યુઝિયમ પણ બંધ નહીં રહે
જન્માષ્ટમીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે અને આ તહેવારમાં લોકો હરવા-ફરવા ઉપર વધુ પસંદગી ઉતારતાં હોવાનું ધ્યાન પર રાખી મહાપાલિકા દ્વારા શહેરીજનોના પ્રિય એવા પ્રદ્યુમન પાર્ક ઝૂને રજાના દિવસે પણ ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે શુક્રવારે પ્રદ્યુમન પાર્ક ઝૂ બંધ રહેતો હોય છે પરંતુ તહેવારને ધ્યાનમાં રાખી તેને ચાલું રખાશે.
આ અંગે મનપાના પદાધિકારીઓએ જણાવ્યું કે તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતાં સહેલાણીઓને લાઈનમાં ઉભું રહેવું ન પડે તે માટે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે વાહન પાર્કિંગમાં અગવડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ તેમજ સમગ્ર પાર્કની સુરક્ષા જળવાઈ રહે તે માટે વધારાના સુરક્ષા કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદ્યુમન પાર્ક ઝુમાં અત્યારે 67 પ્રજાતિઓના 550 જેટલા વન્ય પ્રાણી-પક્ષીઓ છે જેમાં એશિયન સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઈગર, દીપડા, હિમાલયના રીંછ, સ્લોથ રીંઝ, જળબીલાડી, ચાર પ્રકારના શ્વાનકુળના પ્રાણીઓ, ચાર પ્રકારના વાનર, વિવિધ પ્રજાતિના સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓના હરણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝૂ ખાતે નવ માસ પહેલાં જન્મેલા બે સફેદ વાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટેપ્રદર્શિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવી જ રીતે રામવન અને ગાંધી મ્યુઝિયમ પણ તહેવારો દરમિયાન સહેલાણીઓ માટે ખુલ્લા રહેશે.