ઘરબેઠા આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ ૧૪ માર્ચ સુધી થઈ શકશે
કાર્ડ કઢાવતી વખતે જે પૂરાવા આપ્યા હોય તેમાં કોઈ ફેરફાર ન થયો હોય તો પણ ઓળખ-સરનામાનો પૂરાવો અપડેટ કરાવવો જરૂરી
અત્યારે લગભગ દરેક પ્રકારના સરકારી કે ખાનગી કામકાજમાં આધારકાર્ડ ફરજિયાત જેવું જ થઈ ગયું હોવાથી દરરોજ આધારકાર્ડ કઢાવવા માટે મહાપાલિકા કચેરીમાં લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળે છે. બીજી બાજુ આધાર કાર્ડનું ઘણુંખરું કામ ઓનલાઈન થઈ રહ્યું હોય તેનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. દરમિયાન મહાપાલિકા દ્વારા ઓનલાઈન આધાર દસ્તાવેજ અપડેટ કરાવવાની મુદત વધારીને હવે ૧૪ માર્ચ-૨૦૨૪ સુધી કરી છે મતલબ કે હવે ઘરબેઠા લોકો આધારકાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરાવી શકશે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે કાર્ડ કઢાવતી વખતે અરજદાર દ્વારા જે પૂરાવા આપવામાં આવ્યા હોય મતલબ કે રહેઠાણ-ઓળખના પૂરાવા સહિત તેમાં કોઈ ફેરફાર ન થયો હોય તો પણ આ બન્નેને સ્કેન કરી અપડેટ કરાવી લેવા જરૂરી બની જાય છે. આવું કરવું ફરજિયાત નથી પરંતુ તે અપડેટ હોય તો ઘણું ઉપયોગી થઈ શકે તેમ છે. યુએડીએઆઈ દ્વારા ઓનલાઈન દસ્તાવેજ અપડેટ કરવાનું શરૂ કર્યું છે જેમાં અરજદારે ઓળખનો પૂરાવો અને સરનામાનો પૂરાવો અપલોડ કરવો પડશે જે આધારને અપડેટ રાખવામાં મદદ કરશે.
કેવી રીતે ડોક્યુમેન્ટ અપડેટ કરાવી શકાશે
- સૌથી પહેલાં https://myaadhaar.uidai.gov.in વેબસાઈટ ઓપન કરો
- સાઈટ ખોલ્યા બાદ માન્ય મોબાઈલ નંબર પર ઓટીપી મેળવી લોગ ઈન કરો
- દસ્તાવેજ અપડેટ સિલેક્ટ કરો
- આ પછી અરજદારનો હાલનો આધાર ડેટા પ્રદર્શિત થશે
- ઓળખના પૂરાવા અને સરનામાના પૂરાવા માટે પ્રદર્શિત થતાં ડોક્યુમેન્ટ લીસ્ટમાંથી ઉપલબ્ધ ડોક્યુમેન્ટ અસલ ડોક્યુમેન્ટ સ્કેન કરો
- આ પછી એપ્લીકેશન સબમિટ કરવાની રહેશે.