રાજકોટ એઈમ્સના તબીબો ગુજરાતીના પાઠ ભણશે
પરપ્રાંતીય તબીબો કાઠિયાવાડી દર્દીઓની તકલીફ સમજી શકતા ન હોવાનું ધ્યાને આવતા કલેકટરે આપ્યો આદેશ
રાજકોટની ભાગોળે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ એઇમ્સ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર મળે છે, જો કે, અહીં ફરજ બજાવતા મોટાભાગના તબીબો અને અન્ય સ્ટાફ બિન ગુજરાતી હોવાથી અનેક વખત ભાષા સમસ્યા બનતી હોવાનું ધ્યાને આવતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા એઇમ્સમાં સત્તાધીશોને તમામ તબીબોને ગુજરાતી ભાષા શીખવા માટે આદેશ આપવાની સાથે અગાઉ દર્દીઓને અહીં સારવાર વગર જ રીફર કરી દેવાના બનાવો ન બને તેવી તકેદારી રાખવા પણ ટકોર કરી હતી.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ એઇમ્સમાં હાલમાં બાકી રહેતા બાંધકામ સહિતની બાબતો અંગે ખાસ વિઝીટ કરી દર્દીઓને આઇસીયુ સહિતની સારવાર વહેલી મળે તે અંતે કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ અગાઉ જિલ્લા આરોગ્ય સમિતિની બેઠકમાં 108ના પ્રતિનિધિ દ્વારા એઇમ્સમાં લઈ જવાતા દર્દીઓને રીફર કરી દેવામાં આવતા હોવાની બાબત પણ ફરિયાદ રૂપે જણાવતા જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે પણ એઈમ્સના નવનિયુક્ત ડેપ્યુટી ડાયરેક્ટર સાથે ચર્ચા કરી ફરિયાદ નિવારવા જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઉમેર્યું હતું કે, રાજકોટ એઇમ્સમાં હાલમાં તબીબો અને આનુસંગિક સ્ટાફ બિન ગુજરાતી હોય અહીં સારવાર અંતે આવતા દર્દીઓની વાત સમજી શકાય તે માટે તમામ તબીબો અને આનુસંગિક સ્ટાફને ગુજરાતી ભાષા શીખવા પણ સૂચના આપી હતી. સાથે જ એઇમ્સમાં થતી ઓપરેશન સહિતની કામગીરી લોકો સુધી પહોંચે તે માટે પીઆરઓની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપવામાં આવી હોવાનું તેમને જણાવી આગામી દિવસોમાં એઇમ્સના નવા બિલ્ડિંગના બાંધકામ પૂર્ણ થતા લોકોને વધુ સારી સુવિધા મળતી થશે તેમ જણાવ્યું હતું.