મનપાના ૮૦૦ કર્મીઓની `દિવાળી’ સુધરી
ફિક્સ પગારમાં સરેરાશ ૩૦%નો વધારો જાહેર કરતાં મેયર
દિવાળીનો તહેવાર આવે તે પહેલાં જ મહાપાલિકામાં ફિક્સ પગારે પર કામગીરી કરતાં ૮૦૦ કર્મચારીઓનો તહેવાર પદાધિકારીઓ દ્વારા સુધારી દેવામાં આવ્યો છે. મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયાના જણાવ્યા પ્રમાણે મહાપાલિકાના મંજૂર સેટઅપની જગ્યા પર કામ કરતા કર્મચારીઓને રાજ્ય સરકારના વખતો વખતના પગારધોરણ, ફિક્સ પગારધોરણ, મોંઘવારી ભથ્થું, બોનસ વગેરે લાભ રાજ્ય સરકારના ધોરણે આપવામાં આવે છે.
તાજેતરમાં જ સરકાર દ્વારા કર્મીઓના માસિક ફિક્સ પગારમાં ૩૦%નો વધારો કરવામાં આવ્યો છે જેની અમલવારી રાજકોટ મહાપાલિકા દ્વારા પણ કરી દેવાઈ છે. આ નિર્ણયનો ફાયદો ૮૦૦ જેટલા કર્મીઓને થશે. આ નિર્ણયનો અમલ ૧ ઑક્ટોબરથી જ કરવામાં આવશે મતલબ કે દિવાળી પહેલાં જે પગાર મળશે તે ૩૦%ના વધારા સાથે મળશે.