દિવાળીની રજા પુરી: રાજકોટ ધબકતું થયું
એક અઠવાડિયા સુધી દિવાળી ઉત્સવની ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી બાદ લાભપાંચમથી બજારો,પાર્ડ, ઉદ્યોગો, કોર્પોરેટ ઓફિસ રાબેતા મુજબ શરૂ,જનજીવન પણ દોડતું થયું
દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે રંગીલુ રાજકોટ ધમધમતું થઈ ગયું છે. દિવાળીના દિવસથી લઈને એક સપ્તાહ સુધી રજાની મજા શહેરીજનોએ મન મૂકીને માણી હતી, લાભ પાંચમના શુભ મુહૂર્ત પર વેપાર- ધંધામાં ગણેશજીની પૂજા સાથે વેપારના પણ શ્રી ગણેશ થયા હતા.
વરસના સૌથી મોટા દીપાવલીના તહેવારમાં પાંચ દિવસ આતશબાજી તેમજ રજાઓમાં લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે હરવા ફરવા ઉપડી ગયા હતા. શહેરમાં આવેલા રેસકોર્ષ,ન્યારીડેમ, પ્રદ્યુમન પાર્ક, રામવન, આજીડેમ અટલ સરોવર સહિત હરવા ફરવાના સ્થળો પર લોકોએ મન મૂકીને આનંદ ઉઠાવ્યો હતો.
પાંચ દિવસ હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના શોખીનોની ભીડ જોવા મળી હતી તો દિવાળી પર રિલીઝ થયેલા સિંઘમ ટુ અને ભૂલભૂલૈયા 2ના લીધે થિયેટરો પણ હાઉસફુલ થઈ ગયા હતા. મીની વેકેશનનો મન મૂકીને આનંદ ઉઠાવ્યા બાદ લોકો હળવાફૂલ થઈ ગયા હતા.
લાભપાંચમ અર્થાત જ્ઞાનપાંચમ પર વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીનું પૂજન કર્યું હતું જ્યારે વેપારીઓએ આજે શુભ મુહૂર્ત પર વેપારના શ્રી ગણેશ કર્યા હતા. આજથી ફરી બજારો રાબેતા મુજબ અને જનજીવન પણ નિયમિત રીતે ધબકતું થઈ ગયું છે ખાસ આ વર્ષે શહેરની અમુક બજારો નવા વર્ષ બાદ શરૂ થઈ ગઈ હતી.
ધર્મેન્દ્ર રોડ, સોની બજાર,પેલેસ રોડ,સાંગણવા ચોક, ઘી કાંટા રોડ બંગડી બજાર, દાણાપીઠ,રૈયાનાકા ટાવર,કોઠારીયા નાકા, યાજ્ઞિક રોડ, ગુંદાવાડી, અમીન માર્ગ, યુનિવર્સિટી રોડ, મવડી, નાના મવા રોડ સહિતના વિસ્તારોની બજાર ફરીથી શરૂ થઈ ગઈ છે. હવે વેપારીઓને લગ્નગાળાની મોસમ શરૂ થતાની સાથે જ વેડિંગ સિઝન પર મિટ મંડાયેલી છે.
હજુ શાળા કોલેજોમાં વેકેશન છે જ્યારે અમુક ખાનગી શાળાઓ ધોરણ 10 અને 12 ના સિલેબસને વહેલું પૂરું કરવાના લીધે શરૂ થઈ ગઈ છે. કોર્પોરેટ સેક્ટર પર ધીમે ધીમે શરૂ થઈ રહ્યું છે જ્યારે રાજકોટની આજુબાજુ આવેલી જીઆઇડીસીના ઉદ્યોગો બુધવારથી જ ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે.
લાભપાંચમથી માર્કેટિંગ યાર્ડ કપાસ અને મગફળી થી ઉભરાયું
દિવાળીની રજાઓ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરીથી ધબકતું થયું છે મગફળી અને કપાસથી યાર્ડ ઉભરાઈ ગયું હતું. લાભ પાંચમના શુભ મુહૂર્ત પર 1000 જેટલા વાહનોની 10 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. સવારથી યાર્ડની બહાર જુદી જુદી જલ્દી લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા જેમાં 20,000 કપાસની ભારી અને 10,000 જેટલી મગફળીની ભારી નોંધાઇ હતી, ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિત અન્ય પદાધિકારીઓ પણ મુહૂર્તના સોદા પર હાજર રહ્યા હતા.
રાજકોટ બસપોર્ટ પર ભારે ટ્રાફિક,તમામ રૂટની બસ હાઉસફુલ
દિવાળીનું વેકેશન પૂરું થતાની સાથે જ બહારથી આવેલા પ્રવાસીઓ પોતાના વતન તરફ જવા રવાના થયા હતા રાજકોટના એસટી બસ સ્ટેશન પર તમામ રૂટની બસ હાઉસફુલ હતી. ભારે ટ્રાફિક ના લીધે મોટાભાગના લોકોએ અગાઉથી જ ઓનલાઇન બુકિંગ કરાવી લીધું હતું તેમ છતાં બસપોર્ટ પર ચિક્કાર ગિરદી જોવા મળી હતી.
બી.એ.પી.એસ. મંદિરે 1500 જેટલી વાનગીઓ સાથે અન્નકૂટ દર્શન
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષે 1500થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ ભાવિકોએ મોટી સંખ્યામાં લીધો હતો. અન્નકૂટ ઉત્સવમાં કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી, ગુરુચિંતન સ્વામી તથા અપૂર્વમુની સ્વામીના આયોજન અને માર્ગદર્શન નીચે હરિભક્તોએ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે તૈયારી કરી હતી.
સદગુરુ આશ્રમમાં ભવ્ય અન્નકૂટ દર્શન
રણછોડદાસજી આશ્રમ ખાતે દિવાળી સાથે સદગુરુ રણછોડદાસજીની જન્મજયંતીની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમ ખાતે સદગુરુ જન્મ જયંતી ઉજવણી અંતર્ગત અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે ચાલી રહેલા મહોત્સવ દરમ્યાન ભાવિકોએ સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. ઉપરોક્ત તસવીરમાં સદગુરુ રણછોડદાસજી મહારાજને અલગ અલગ વ્યંજનો ધરવામાં આવ્યા હતા જે ઉપરોક્ત તસવીરમાં નજરે પડે છે..