સાંઢિયા પુલ પહોળો કરવા શેરી-ગલીમાં અપાશે ડાયવર્ઝન
પુલ પાસેથી નીકળતો કાચો રસ્તો કે જે એરપોર્ટ ફાટક સુધી જાય છે તેને ડામરકામથી પાક્કો કરવા ઉપરાંત પહોળો કરાશે
પરસાણાનગર, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતના રસ્તેથી આવતાં વાહનોને પેટ્રોલપંપથી ભોમેશ્વર મંદિર પાસેથી ડાયવર્ઝન અપાશે
૬૨.૬૦ કરોડના ખર્ચે તૈયાર થનારા ફોર-લેન બ્રિજનું ટેન્ડર પ્રસિદ્ધ: બે વર્ષમાં કામ પૂર્ણ થશે: માર્ચથી કામ શરૂ થવાની શક્યતા

જામનગર રોડ ઉપરનો સાંઢિયા પુલ ખખડધજ હાલતમાં હોવાને કારણે હવે તેને તોડીને તેના સ્થાને ફોર-લેન બ્રિજ બનાવવાનું કામ આગળ વધી રહ્યું છે. ૬૨.૬૦ કરોડના ખર્ચે તૈયાર થનારા આ ફોર-લેન બ્રિજનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જે ૧૪ ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે. બીજી બાજુ માર્ચ મહિનાથી કામ શરૂ થવાની શક્યતા હોવાને કારણે અહીંથી નિયમિત પસાર થનારા લોકોનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આખરે તેમને ડાયવર્ઝન ક્યાંથી આપવામાં આવશે ? આ અંગે મનપાના અધિકારીએ જણાવ્યું કે આ માટે શેરી-ગલીમાંથી ડાયવર્ઝન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પુલનું કામ બે વર્ષ સુધી ચાલનાર હોવાથી લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો પણ વેઠવો પડી શકે છે.

અધિકારીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જામનગર રોડ પરથી આવનારા વાહનો અત્યારે બ્રિજ પર થઈને ચાલી રહ્યા છે સાથે સાથે બ્રિજની બાજુમાં પણ એક કાચો રસ્તો છે ત્યાંથી સીધા એરપોર્ટ ફાટક તેમજ ભોમેશ્વર મંદિર સુધી પહોંચી રહ્યા છે. બ્રિજનું કામ શરૂ થાય એટલે તેની બાજુનો રસ્તો કે જે સીધો એરપોર્ટ ફાટક સુધી જાય છે તેને પહોળો કરવામાં આવશે સાથે સાથે તેને ડામરકામ કરીને પાક્કો બનાવવામાં આવશે જેથી વાહન વ્યવહાર સુચારું રૂપે થઈ શકે.
આ ઉપરાંત પરસાણાનગર, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતના રસ્તેથી આવતાં વાહનોને બ્રિજના છેડે આવેલા પેટ્રોલપંપથી ભોમેશ્વર મંદિરવાળા રસ્તેથી ડાયવર્ઝન આપવામાં આવશે. આ પુલનું કામ ૨૪ મહિના મતલબ કે બે વર્ષ સુધી ચાલનાર હોવાને કારણે લોકોએ આ રસ્તેથી જ પોતાનું વાહન ચલાવવાનું રહેશે.
કુલ ખર્ચ ૬૨.૬૦ કરોડ
- ૬૦૦ મીટર લંબાઈ (સિવિલ હોસ્પિટલ બાજુ ૨૯૮ મીટર, માધાપર બાજુ ૨૬૮ મીટર)
- ૨૪ મહિના સુધી ચાલશે કામ
- વધુમાં વધુ ૩૬ પીલર અને ઓછામાં ઓછા ૨૦ પીલર હશે
- બ્રિજના કામ માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૬ ફેબ્રુઆરી, ૧૪એ ટેન્ડર ખૂલશે
પુલ બની ગયા બાદ પરસાણાનગરથી સીધું ભોમેશ્વર નીકળી શકાશે
મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે બે વર્ષ બાદ સાંઢિયા પુલ ફોર-લેન થઈ ગયા બાદ લોકો પરસાણાનગરથી સીધા ભોમેશ્વર સુધી જઈ શકશે. આવી જ રીતે ભોમેશ્વરથી સીધા પરસાણાનગર સુધી આવી શકાય તે પ્રકારે બે રસ્તા બનાવવામાં આવશે. અત્યારે લોકોએ ફરી-ફરીને જવું-આવવું પડતું હતું જે સમસ્યાથી છૂટકારો મળશે સાથે સાથે ટ્રાફિકજામની સમસ્યા પણ નહીં રહે.