અંગુઠાએ ભારે કરી ! મંડળી-ગ્રામપંચાયત સંચાલિત વ્યાજબી ભાવની દુકાનોમાં વિતરણ ઠપ્પ
મંડળીના હોદેદારોને વિતરણ સમયે થમ્બ આપવાનો ટાઈમ નથી
રાજકોટના રાજસમઢિયાળા સહિતના ગામોમાં થમ્બ ઇમ્પ્રેશનના કારણે ગરીબોને અનાજ વિતરણ ન થતા દેકારો
રાજકોટ : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજના વિક્રેતાઓ માટે ઈ-પ્રોફાઈલ ફરજીયાત બનાવી જે તે વ્યાજબીભાવના દુકાનદારના થમ્બ ઇમ્પ્રેશન આપ્યા બાદ જ વિતરણ થઇ શકે તેવી સિસ્ટમ અમલી બનાવતા જે -જે ગામોમાં મંડળી કે ગ્રામ પંચાયત સંચાલિત વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે ત્યાં-ત્યાં ચાલુ મહિનામાં અનાજ અને ચોખા સહિતની ચીજવસ્તુઓનું રેશનકાર્ડ ધારકોને વિતરણ ન થઇ શકતા દેકારો બોલી ગયો છે.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યની તમામ સસ્તા અનાજની દુકાનોમાં જાહેર વિતરણ વ્યવસ્થા માટે સંબંધિત પરવાનેદાર પોતાનો અંગુઠો મશીન ઉપર રાખે ત્યાર બાદ જ બિલ બની શકે તેવી વ્યવસ્થા ગોઠવતા સસ્તા અનાજના વેપારીઓમાં દેકારો બોલી ગયો છે, જો કે, રાજ્ય સરકારે જ્યાં જ્યાં મંડળી કે ગ્રામ પંચાયત સંચાલિત દુકાનો આવેલી હોય ત્યાં આવી દુકાનો માટે ઓથોરાઇઝ વ્યક્તિ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન ગોઠવતા જ્યાં જ્યાં મંડળી મારફતે રેશનકાર્ડ ધારકોને અનાજ ચોખા મળે છે ત્યાં વિતરણ થઇ શક્યું નથી પરિણામે વડાપ્રધાનની મફત યોજનાનો લાભ રેશનકાર્ડ ધારકોને મળી શક્યો નથી.
વધુમાં રાજકોટ જિલ્લામાં મંડળી અને ગ્રામ પંચાયત સંચાલિત આવી 48 દુકાનો આવેલી છે પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મંડળીના ઓથોરાઇઝ વ્યક્તિ માટે આવી થમ્બ ઈમરેશનની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં ન આવી હોય રેશનકાર્ડ ધારકો વડાપ્રધાનની મફત યોજનાના લાભથી વંચિત રહ્યા છે, રાજકોટ તાલુકાના રાજસમઢિયાળા ગામે પણ આવી જ પરિસ્થિતિ હોય મંડળી સંચાલિત દુકાનના ઓથોરાઈઝડ વ્યક્તિ દ્વારા ચાલુ માસે વિતરણ ન થઇ શક્યું હોવાની ફરિયાદ કરી હતી પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા ગરીબ રેશનકાર્ડ ધારકોને વિનાકારણે અનાજથી વંચિત રહેવું પડ્યું હોવાનું સામે આવ્યું છે.