મુંબઈ અને સુરતના મતદાન મથકે મતદાન પ્રક્રિયા માટે સ્ટાફ રવાના
નાગરિક બેન્કની ચૂંટણીમાં મોરબી, જસદણ, અને રાજકોટ સહિત 7 સ્થળે મતદાન
રવિવારે સાત મતદાન મથકો ઉપર થનાર મતદાન માટે કુલ 70થી 80 જેટલો ચૂંટણી સ્ટાફ
આગામી રવિવારે યોજનાર રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, લોકસભા અને ધારાસભા ચૂંટણીને પણ ટક્કર મારે તેવી આ ચૂંટણીમાં છ બેઠકો બિનહરીફ થયા બાદ હાલમાં 15 બેઠકો માટે મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત, મુંબઈ અને રાજકોટ ખાતે 7 મતદાન મથકો ઉપર કુલ 332 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. નાગરિક બેન્કની ચૂંટણીમાં પણ લોકસભા ચૂંટણીની જેમ જ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેકટર અને નાગરિક સહકારી બેન્કના ચૂંટણી અધિકારી પ્રભવ જોશી અને મદદનીશ ચૂંટણી અધિકારી જીલ્લા રજીસ્ટ્રાર ડો.બીમલકુમાર દ્વારા આગામી તા.17ને રિવારના રોજ યોજાનાર નાગરિક બેન્કની ચૂંટણીની તૈયારીઓને લઇ મુંબઈ અને સુરત મતદાન મથક માટે ચૂંટણી ફરજ ઉપરની ટીમોને પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામા આવી હતી. સાથે જ મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદના મતદાન મથકો માટે આજે ટીમોને રવાના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં કુલ 21 બેઠકોમાંથી છ બેઠક બિન હરીફ થતા કુલ હવે 15 બેઠકો માટે સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 મળી કુલ 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે સહકાર પેનલને સફરજન અને સંસ્કાર પેનલને માઈક ચૂંટણી પ્રતિક તરીકે ફાળવવામાં આવેલ છે. પ્રતીક ફાળવણી બાદ બેલેટ પેપર પ્રિન્ટ થતા જ શનિવારે મત પેટીઓ સાથે બે-બે નાયબ મામલતદારો, બેંક કર્મચારીઓ અને ગનમેન સાથે મતદાન સ્ટાફને સુરત અને મુંબઈ ખાતે રવાના કરવામાં આવ્યા હતા.