એઇમ્સમાં અસંતુષ્ઠો જાગ્યા, તબીબીનો ભરતી સામે સવાલ ઉઠાવ્યા
એનેસ્થેસિયા, ઓબ્સએટ્રીક, ફોરેન્સિક મેડિસિન, પેથોલોજી, પ્લાસ્ટિક સર્જરી, ઈએનટી, ન્યુરો સર્જરી, રેડિયોથેરાપી સહિતના તબીબોની નિમણુંક
રાજકોટ : રાજકોટ એઈમ્સના એકઝ્યુકેટીવ ડાયરેક્ટર ડો. સીડીએસ કટોચ લાંબી રજા ઉપર છે ત્યારે તાજેતરમાં એઇમ્સ દ્વારા 17 પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી કરી ટૂંક સમયમાં જ એઈમ્સના દર્દીઓને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સેવાનો લાભ મળી રહે તેવી વ્યવસ્થાએ ગોઠવી છે ત્યારે તબીબોની ભરતી બાદ એઇમ્સમાં અસંતુષ્ઠો જાગ્યા હોય તેવા ઘાટ વચ્ચે ભરતી સામે સવાલો ઉઠાવી મીડિયા સુધી માહિતી પહોંચાડી છે. જો કે, સમગ્ર મામલે એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.કુલદીપ જી.બી.એ ભરતી નિયમોનુસાર અને સિલેક્શન કમિટી મારફતે જ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
રાજકોટ એઇમ્સમાં દર્દીઓને વધુ સારી સુવિધાઓ મળે તે હેતુથી તાજેતરમાં એનેસ્થેસિયોલોજી, ઓબ્સએટ્રીક, ફોરેન્સિક મેડિસિન, પેથોલોજી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી, ઈએનટી, ન્યુરો સર્જરી, રેડિયોથેરાપી, રેડિયોલોજી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ટ્રાન્સફ્યુઝન મેડિસિન અને બ્લડ બેન્ક, કાર્ડિયો અને વાસ્ક્યુલર સર્જરી, ન્યુરો સર્જરી સહિતના વિભાગોમા પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર તબીબોની ભરતી કરવામાં આવી છે. આ તમામ તબીબો આગામી ત્રણેક મહિનામાં જ પોતાની ફરજ ઉપર હાજર થઇ જતા એઇમ્સમાં દર્દીઓને આ તમામ તજજ્ઞ તબીબોની સારવારનો લાભ મળી શકશે. જો કે, આ તબીબોની ભરતીને લઈ કેટલાક અસંતુષ્ઠો મેદાને આવ્યા હોય તેવા ઘાટ વચ્ચે ભરતી પ્રક્રિયામાં રાજકોટ એઈમ્સના બદલે બહારના અધિકારીઓ દ્વારા હાજર રહ્યા હોવાનું તેમજ કેટલીક ભરતી માટે એનઓસી ન હોય તેવા તબીબ પણ હાજર રહયા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા.
દરમિયાન સમગ્ર ભરતી પ્રક્રિયા મામલે રાજકોટ એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.કુલદીપ જી.બી.નો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે, એઈમ્સના નિયમો મુજબ જ ભરતી કરવામાં આવી છે, પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં નક્કી કરેલ સિલેક્શન કમિટી જ બેસતી હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું. દરમિયાન અસંતુષ્ઠ લોકો દ્વારા એઇમ્સમા ઓપીડીની સંખ્યા ઘટી ગઈ હોવા ઉપરાંત છેલ્લા બે મહિનાથી વેન્ડરોના બિલ ન ચુકવાવમાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હોય ડેપ્યુટી ડાયરેક્ટર ડો.કુલદીપ જી.બી.એ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. સાથે જ આગામી ટૂંક સમયમાં જ એઇમ્સ રાજકોટમાં દર્દીઓને વધુ સારી સવલતો મળતી થશે અને સુપર સ્પેશિયલ તબીબોની સેવાનો લાભ મળશે તેમ અંતમાં જણાવ્યું હતું.