નાગરિક બેંકના નવા સુકાની તરીકે દિનેશભાઈ પાઠક – જીવણભાઈ પટેલની પસંદગી
બંને બિનહરીફ ચૂંટાશે : આજે બોર્ડની બેઠક બાદ થશે સત્તાવાર જાહેરાત
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયામાં તા. ૨૨ને શુક્રવારે, ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું અને નિયત સમયમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ નહી ભરતા બંને બિન હરીફ જાહેર થશે
ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકના નામ માટે દેવાંગભાઈ માંકડે દરખાસ્ત મૂકી હતી અને ચંદ્રેશભાઈ ધોળકિયાએ ટેકો આપેલ હતો. જયારે વાઈસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલના નામ માટે માધવભાઈ દવેએ દરખાસ્ત મૂકી હતી અને અશોકભાઈ ગાંધીએ ટેકો આપેલ હતો. શનિવારે બોર્ડની બેઠક મળશે અને તેમા આ બંનેની સતાવાર રીતે વરણી કરવામાં આવશે.
દિનેશભાઈ પાઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત કાર્યકર છે. તેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં ૨૦૨૧-૨૦૨૨માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ ૨૦૨૨થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે.
ગેલેક્સી ગ્રુપના જીવણભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ છે. વડીલ જીવણભાઈ હસમુખા સ્વભાવના માલિક છે. તેઓએ બેંકમાં ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી ડીરેક્ટર તરીકે અને ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી.
તા. ૨૩ને શનિવારે સવારે ૧૧ જીલ્લા કલેકટર અને રીટર્નીંગ ઓફીસર પ્રભાવ જોશીની ઉપસ્થિતિમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની હેડ ઓફિસ, અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલયના ચોથા માળે આવેલ બોર્ડ રૂમમાં ડીરેકટરોની મીટીંગ યોજાશે અને તેમાં પ્રભાવ જોશી નવા ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલના નામની વિધિવત ઘોષણા કરશે.