અરરર…સાધુ વાસવાણી રોડ પર ફૂટપાથ શોધવી અઘરી !!
ક્યાંક પાંઉભાજીની રેંકડી, ચાના થડાં ગોઠવાઈ ગયા
અજંતા શોપિંગ સેન્ટર, રામેશ્વર કોમ્પલેક્સ, શિલ્પન ટાવર પાસેની ફૂટપાથ પર વાહનોનો ઢગલો
ફૂટપાથ પર જાહેરાતોના બોર્ડ મુકી કમાણી' કરી લેતાં ધંધાર્થીઓના પણ તૂટા નથી
મનપા એક બોર્ડ કે બેનર જપ્ત કરીને રવાના થયાની ત્રીજી જ મિનિટે બીજું બોર્ડ મુકાઈ જાય છે !
પ્રજાને કનડતા પ્રશ્નોને ઉજાગર કરી તંત્રનો કાન આમળવા માટે હંમેશા તત્પર-અગ્રેસર રહેતા
વોઈસ ઓફ ડે’ દ્વારા એક અત્યંત મહત્ત્વની સમસ્યાને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશનો પ્રથમ હપ્તો પ્રસિદ્ધ થતાં જ લોકોમાંથી આવકાર મળી રહ્યો છે તો મ્યુનિસિપલ-પોલીસ તંત્ર ઉપર ફિટકાર વરસી રહ્યો છે. શહેરના સૌથી પોશ વિસ્તાર પૈકીના એક એવા સાધુ વાસવાણી રોડ ઉપર રીતસરનો ફૂટપાથ ટેરર' જોવા મળી રહ્યો છે.
અહીં તો કોઈ ફૂટપાથ શોધી આપે તો તેને ઈનામ આપવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. અહીં કોઈ કહેવાવાળું, કાર્યવાહી કરવાવાળું ન હોવાને કારણે દબાણકર્તાઓની હિંમત દિવસેને દિવસે વધી રહી છે અને આ લોકોના પાપે લોકોએ ફૂટપાથ પર નહીં બલ્કે રસ્તા પર ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે. ઉપરોક્ત તસવીરોમાં દેખાઈ રહ્યા પ્રમાણે સાધુ વાસવાણી રોડ પર અજંતા શોપિંગ સેન્ટર આવેલું છે જેની ફઊટપાથ ઉપર
પટેલ પાંઉભાજી’ નામની રેંકડી ઉભેલી જોવા મળી રહી છે તો તે જ રેંકડીની બાજુમાં વચ્છરાજ હોટેલ'નું બોર્ડ લગાવેલો ચાનો થડો દેખાઈ રહ્યો છે.
અહીં ફૂટપાથ ઓછી અને રેંકડી-થડાનું દબાણ વધુ દેખાઈ રહ્યું છે. તંત્રના ધ્યાન ઉપર આ સમસ્યા ક્યારેય આવતી જ નથી અથવા તો ધ્યાને લેવાની તસ્દી લેવામાં આવી રહી ન હોવાથી લોકોની પીડાનો પાર રહ્યો નથી. આ જ રીતે ત્યાં
તીરુપતિ કુરિયર’નું એક બોર્ડ ખડકાયેલું દેખાઈ રહ્યું છે તો બાકીની ફૂટપાથ પર ટુ-વ્હીલર પાર્ક કરી દેવાયા છે ત્યારે સો મણનો સવાલ એ જ છે કે આખરે લોકોએ અહીંથી ચાલવું કેવી રીતે કેમ કે ચાલવા માટે જગ્યા જ બચી નથી. આવી સ્થિતિ હોવાને કારણે લોકો રસ્તા પર ચાલતા હોય અકસ્માતનો ભય હંમેશા સતાવી રહ્યો હોય છે.
એકમાત્ર અજંતા શોપિંગ સેન્ટર જ નહીં બલ્કે શિલ્પન ટાવર બહારની ફૂટપાથ ઉપર ટુ-વ્હીલરનો ઢગલો દરરોજ થયેલો હોય છે તો ફૂટપાથની બહાર ફોર-વ્હીલર પાર્ક કરી દઈને ટ્રાફિક સમસ્યાને પણ મોકળી મેદાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે સિદ્ધનાથ કોમ્પલેક્સ કે જે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાનો વોર્ડ છે ત્યાં આવેલું છે તેના દ્વારા પણ ફૂટપાથનો કબજો લઈ લેવામાં આવ્યો છે. રામેશ્વર કોમ્પલેક્સની સ્થિતિ પણ આવી જ હોવા છતાં ન તો પોલીસ કે ન તો મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી !
મુખ્ય ચોકમાં ઉભા રહીને દંડ વસૂલતી પોલીસ અહીં ત્રાટકે તો તીજોરી છલકાઈ જાય !
સાધુ વાસવાણી રોડ ઉપર ચાલવા માટે ફૂટપાથ મળી રહી ન હોવાથી તેની પીડા અનુભવી રહેલા શહેરીજનો `વોઈસ ઓફ ડે’ સમક્ષ હૈયાવરાળ તેમજ રોષ ઠાલવતાં કહે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ શહેરના મુખ્ય ચોકમાં ઉભા રહીને નિયમભંગ કરતા ચાલકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ પોલીસ તંત્રએ એક વાત પણ ધ્યાન રાખવી જોઈએ કે ફૂટપાથ ચાલવા માટે હોવા છતાં તેના ઉપર વાહન પાર્ક કરીને કામ પતાવવા માટે જ્યાં ત્યાં જઈ રહેલા વાહન ચાલકો પણ નિયમ ભંગ કરી રહ્યા હોવાથી તેમની પાસેથી પણ દંડ વસૂલાવો જોઈએ. જો આ દિશામાં દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવે તો તંત્રની તીજોરી છલકાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.