હિરાસર એરપોર્ટમાં ડીઝલ કૌભાંડ: દર મહિને મોટો જથ્થો બારોબાર સ્વાહા’ !!
જાન્યુ.માં ૮૨૦, ફેબ્રુ.માં ૯૪૦'ને માર્ચમાં ૫૧૦ લીટર ડીઝલ વપરાયું જેની સામે એપ્રિલમાં ૧૩૯૪ લીટર ડીઝલની ખરીદી
બે મહિનાની અંદર એરપોર્ટમાં એક પણ વખત લાઈટ નથી ગઈ તો પછી આટલો મોટો જથ્થો વપરાય છે ક્યાં ?
છેલ્લા ત્રણ મહિનામાં ક્યારેય ૧૪૦૦ લીટર ડીઝલ નથી ખરીદાયું ત્યારે આ વખતે કેમ ? જનરેટર ડીઝલનું આટલું તરસ્યું હશે કે પછી...?

રાજકોટની ભાગોળે હિરાસર ગામે ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે. હજુ અહીં મુખ્ય ટર્નિમલ શરૂ થઈ શક્યું ન હોવાને કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટની ઉડાન-ઉતરાણ શક્ય બન્યા નથી ત્યાં જ અહીં ગેરરીતિઓ શરૂ થઈ ગઈ હોય તેમ મોટો જથ્થો બારોબાર
સ્વાહા’ થઈ રહ્યાની ચોંકાવનારી વિગતો આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અચાનક જ લાઈટ ચાલી જાય ત્યારે મુશ્કેલી ઉભી ન થાય તે માટે ડીઝલ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ જનરેટરમાં પૂરવામાં આવતાં ડીઝલને લઈને કૌભાંડની બૂ આવતાં આ મામલે તપાસ થવી જરૂરી બની જાય છે.
`વોઈસ ઓફ ડે’ને મળેલા સત્તાવાર આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં ૮૨૦ લીટર, ફેબ્રુઆરીમાં ૯૪૦ લીટર અને માર્ચમાં ૫૧૦ લીટર ડીઝલનો વપરાશ જનરેટરમાં થયો હતો જેની સામે એપ્રિલ મહિનલામાં ૧૩૯૪ લીટર ડીઝલની ખરીદી કરવામાં આવી હતી. અત્રે મહત્ત્વની વાત એ છે કે વપરાશ ઓછો છે છતાં આટલી મોટી માત્રામાં ડીઝલ શા માટે ખરીદવામાં આવ્યું ? આશ્ચર્યની વાત એ છે કે બે મહિનાની અંદર એરપોર્ટમાં એક વખત પણ લાઈટ નથી ગઈ તો પછી આટલો મોટો જથ્થો વપરાઈ ક્યાં રહ્યો છે ? છેલ્લા ત્રણ મહિનાની અંદર ક્યારેય ૧૪૦૦ લીટર ડીઝલ ખરીદવામાં આવ્યું નથી ત્યારે એપ્રિલમાં એવી તો શું જરૂર પડી ગઈ કે વધુ ખરીદી કરવી પડી હશે ? જનરેટર ડીઝલ આટલું તરસ્યું હશે કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે તે તપાસનો વિષય છે.
એવી વિગત પણ જાણવા મળી રહી છે કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડીઝલનો જથ્થો બામણબોર પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી દર મહિને ખરીદ કરવામાં આવી રહ્યો છે.
જનરેટર બે જ છતાં દર મહિને વપરાશ જુદો જુદો !!
મહિનો વપરાશ
સપ્ટેમ્બર ૫૦૦ લીટર
ઑક્ટોબર ૧૧૦ લીટર
નવેમ્બર ૨૫૫ લીટર
ડિસેમ્બર ૯૯૦ લીટર
જાન્યુઆરી ૮૨૦ લીટર
ફેબ્રુઆરી ૯૪૦ લીટર
માર્ચ ૫૧૦ લીટર
જાન્યુઆરીમાં ડીઝલની ખરીદીમાં પણ ગોટાળા !
એરપોર્ટ પર ડીઝલ જનરેટર માટે દર મહિને ડીઝલની ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને જાન્યુઆરીમાં થયેલી ખરીદીમાં પણ ગોટાળા થયાની દૂર્ગંધ આવે છે ! ડિસેમ્બરમાં જનરેટર-૧ માટે ૧૦૪૦ લીટરની ખરીદી કરાઈ હતી જેમાંથી ૫૪૦ લીટર ડીઝલનો વપરાશ થયો હતો અને ૫૦૦ લીટર ડીઝલ બચ્યું હતું. આ જ રીતે જનરેટર-૨ માટે ૧૨૦ લીટરની ખરીદી કરાઈ હતી જેમાંથી ૪૫૦ લીટરનો વપરાશ થયો હતો અને ૭૬૦ લીટર બચ્યું હતું. આ પછી જાન્યુઆરીમાં ખરીદી કરાઈ ન્હોતી અને પાછલા મહિને બચેલા ૫૪૦ લીટરનો વપરાશ જનરેટર-૧માં કરાયો હતો જેમાંથી ૪૪૪ લીટર વપરાઈ ગયું હતું. જ્યારે જનરેટર-૨માં પાછલા મહિને બચેલું ૭૬૦ લીટર ડીઝલ ભરવામાં આવ્યું હતું જેમાંથી ૩૮૦ લીટરનો વપરાશ થયો હતો અને ૨૮૦ લીટર બચ્યું હોવાનું કાગળ પર દર્શાવાયું છે ત્યારે હિસાબ કરવામાં આવતાં અહીં ૧૦૦ લીટરનો ગોટાળો ધ્યાન પર આવ્યો છે કેમ કે ૭૬૦ લીટર ડીઝલમાંથી ૩૮૦ લીટરનો વપરાશ થાય તો પાછળ ૩૮૦ લીટર ડીઝલ બચે છે !!
બન્ને જનરેટરમાં ૮ કલાક લોડ ટેસ્ટીંગનો આદેશ છતાં માર્ચમાં ૯ કલાક ઉપર ચાલ્યું !વોઈસ ઓફ ડે' પાસે રહેલા પૂરાવા પ્રમાણે માર્ચ મહિનામાં જનરેટર-૧ જનરેટરમાં ૪ કલાક લોડ ટેસ્ટીંગ કરવાનો આદેશ અપાયો હતો જ્યારે જનરેટર-૨ મારફતે પણ ૪ કલાક લોડ ટેસ્ટીંગ કરવાનું હતું. જો કે આ મહિનામાં જનરેટર-૧માં ૫.૭૩ કલાક સુધી ટેસ્ટીંગ ચાલ્યું તો જનરેટર-૨માં ૩.૪૪ કલાક સુધી ટેસ્ટીંગ ચાલ્યું હતું ! હવે આદેશથી ઉપરવટ જઈને વધારાની ૧ કલાક ટેસ્ટીંગ શા માટે કરાયું તે તો
જાણકારો’ જ જાણતાં હોવા જોઈએ !!
એવું તો વળી કેવું લોડ ટેસ્ટીંગ થતું હશે કે કલાકો નિશ્ચિત નહીં ?
અત્રે સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે એરપોર્ટ પર લોડ ટેસ્ટીંગને લઈને કલાકો નિશ્ચિત કેમ કરવામાં આવી રહ્યા નહીં હોય ? સપ્ટેમ્બરથી માર્ચ સુધી કરાયેલા લોડ ટેસ્ટીંગની કલાકોમાં જબરી વિસંગતતા જોવા મળી રહી છે જે અત્રે પ્રસ્તુત છે.
જનરેટર-૧
મહિનો લોડ ટેસ્ટીંગની કલાક ડીઝલનો વપરાશ
સપ્ટેમ્બર ૫.૦૧ ૩૦૦ લીટર
ઓક્ટોબર ૦.૯૨ ૫૫ લીટર
નવેમ્બર ૨.૭૪ ૧૫૫ લીટર
ડિસેમ્બર ૯.૯૨ ૫૪૦ લીટર
જાન્યુઆરી ૮.૧૭ ૪૪૦ લીટર
ફેબ્રુઆરી ૯.૧૮ ૫૨૦ લીટર
માર્ચ ૫.૭૩ ૩૧૦ લીટર
જનરેટર-૨
સપ્ટેમ્બર ૩.૩૪ ૨૦૦ લીટર
ઓક્ટોબર ૦.૯૧ ૫૫ લીટર
નવેમ્બર ૧.૭૬ ૧૦૦ લીટર
ડિસેમ્બર ૮.૯૮ ૪૫૦ લીટર
જાન્યુઆરી ૭.૨૧ ૩૮૦ લીટર
ફેબ્રુઆરી ૭.૫૮ ૪૨૦ લીટર
માર્ચ ૩.૪૪ ૨૦૦ લીટર
બીપોરજોય' વાવાઝોડા સિવાય ક્યારેય શટ-ડાઉન નથી આપ્યું: જેટકો અધિકારી
વોઈસ ઓફ ડે’ દ્વારા જેટકોના અધિકારીનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે `બીપોરજોય’ વાવાઝોડા સિવાય ક્યારેય શટ-ડાઉન આપવામાં આવ્યું નથી મતલબ કે નવું એરપોર્ટ શરૂ થયા બાદ એરપોર્ટ પર ક્યારેય વીજ પૂરવઠો ખોરવાયો નથી ! એરપોર્ટ પાસે ૫૦૦-૫૦૦ કે.વી.ના બે જનરેટર હોવાથી કદાચ લાઈટ જાય તો પણ અર્ધી મિનિટમાં પૂરવઠો પૂર્વવત થઈ જાય છે પરંતુ આવું ક્યારેય બન્યું નથી. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે નવું એરપોર્ટ શરૂ થયા બાદ ક્યારેય લાઈટ ગઈ જ નથી તો પછી લોડ ટેસ્ટીંગના નામે ડીઝલનો આટલો બધો વપરાશ કરવા પાછળનું કારણ શું હશે ?
આ ખાનગી' માહિતી છે, અમે જાહેર ન કરી શકીયે: દેશમુખ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રિક વિભાગના ઈન્ચાર્જ અધિકારી દેશમુખનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે આ
ખાનગી’ માહિતી હોવાને કારણે અમે જાહેર ન કરી શકીએ. અત્રે એ પણ યક્ષપ્રશ્ન થાય કે એરપોર્ટમાં લાઈટ કેટલી વખત ગઈ, ડીઝલનો વપરાશ કેટલો થયો તે સહિતની બાબતોમાં `ખાનગી’ શું આવ્યું ?
આશ્ચર્યમ્: ડીઝલ વપરાશ-ખરીદીના બબ્બે ચોપડા !
સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું છે કે ડીઝલના વપરાશ મતલબ કે લોડ ટેસ્ટીંગ પાછળ કેટલું ડીઝલ વપરાયું, કેટલું બચ્યું છે, પ્રતિકલાક કેટલા લીટર ડીઝલ વપરાયું તે સહિતની નોંધ કરવા માટે બબ્બે ચોપડા રાખવામાં આવ્યા છે ! એક ચોપડામાં વાસ્તવિક રીતે બધી વિગતો દર્શાવાતી હોવાનું તેમજ બીજા ચોપડામાં ગોરખધંધા કરવામાં આવી રહ્યાની આશંકા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જો કે આ બાબતને `વોઈસ ઓફ ડે’ સમર્થન આપી રહ્યું નથી.
ડીઝલનો જથ્થો જ્યાં રખાય છે ત્યાં ન તો સીસીટીવી કે ન તો CISFનું એક્સેસ ?
જાણવા મળ્યા પ્રમાણે ડીઝલનો જથ્થો જ્યાં રાખવામાં આવે છે ત્યાં તો ન સીસીટીવી રાખવામાં આવ્યા છે કે ન તો સીઆઈએસએફને એક્સેસ મતલબ કે જેના પર તેની નજર અથવા તો તેની મંજૂરીની જરૂર રહેતી નથી. લાખોના ડીઝલની ખરીદી કરાતી હોય ત્યારે આ બધી બાબતો મહત્ત્વની બની જતી હોવા છતાં તેની તસ્દી લેવામાં આવી ન રહ્યાની વાત સૂત્રો કહી રહ્યા છે.