ધોરાજીનું ઝાંઝમેર ગુન્હેગારો માટે મિર્ઝાપુર અને પ્યાસીઓ માટે મીની દીવ બન્યું
જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સનની જિલ્લા કલેક્ટરને સ્ફોટક રજુઆત
રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન અને ઝાંઝમેર ગામના વતની મહિલાએ રાજકોટ જિલ્લા કલેક્ટરને સ્ફોટક રજુઆત કરી ઝાંઝમેર ગામ હાલમાં ગુન્હેગારો માટે મિર્ઝાપુર અને દારૂ પીવાના શોખીનો મેઈ મીની દીવ બન્યું હોવાનો આરોપ લગાવી તાજેતરમાં જ તેમના પતિના મૃત્યુની ઘટનામાં પણ આવરાતત્વોની ધમકીઓ કારણભૂત હોવાની રજુઆત કરતા ચકચાર જાગી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સિમિતિના ચેરપર્સન બાનુબેન ભીખાભાઇ બાબરીયાએ ઝાંઝમેર ગામના લોકોને મોટીસંખ્યામાં સાથે રાખી જિલ્લા કલેક્ટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેમના પતિનું ગત તા.11 માર્ચના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ પાછળ ગામના દારૂના ધંધાર્થીઓ જવાબદાર હોવાનું અને દારૂના ધંધાર્થીઓએ જાહેરમાં તેમના પતિને અપમાનિત કરતા તેઓ ગામના પાદરમાં ઢળી પડયા હોવાનું જણાવી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ ઝાંઝમેરના સરપંચ સહિતના લોકો વિરુદ્ધ પણ આક્ષેપ કરી દારૂના ધંધાર્થીઓ અને રેતી ચોરી કરતા શખ્સો હાલમાં બેફામ બની વીજચોરી કરતા હોવાની સાથે જમીન ઉપર કબ્જા કર્યા હોય પગલાં ભરવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી પોલીસ નિષ્ક્રિય હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.