ઢોરને હાથ લગાડી તો જુઓ ! હિંગળાજનગર-ગાયત્રીનગરમાં ઢોરપકડ પાર્ટી સાથે ઢીશુમ ઢીશુમ’
દંડ વસૂલવાનું શરૂ પણ નથી કર્યું ત્યાં આવી સ્થિતિ, વસૂલાશે તો શું થશે ?જ્યાં સૌથી વધુ ઢોર છે તે ગાયત્રીનગરમાં કાફલો ત્રાટકતાં જ મહિલાઓએ બહાર આવીને ધબધબાટી શરૂ કરી દીધી: મોટી સંખ્યામાં ગાયો બહાર બેઠી'તી તેમાંથી માંડ એકને પકડી શકાઈ: હિંગળાજનગરમાં પણ ટીમને જોઈને માલિકે ઢોરને વાડામાં પૂર્યા, કર્મીઓ સાથે કરી માથાકૂટ
હજુ તો મંગળવારે જ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરમાં રખડતાં ઢોર પકડાય તો તેના માલિક પાસેથી ૪૦૦૦નો દંડ વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપી છે. હજુ આ દરખાસ્ત જનરલ બોર્ડમાં મંજૂર થાય ત્યારબાદ કાયદો અમલમાં આવશે પરંતુ તે પહેલાં જ ઢોર પકડવાનું શરૂ કરાતાં માથાકૂટ ઓછી થવાનું નામ લઈ રહી નથી. એકંદરે ઢોરમાલિકો મહાપાલિકાની ઢોરપકડ પાર્ટીને કશું સમજતાં જ ન હોય તેવી રીતે ઢોર પકડવા જાય એટલે ટીમ સાથે ઝપાઝપી, ગાળાગાળી કરવાનું શરૂ કરી દે છે ત્યારે આવા બે બનાવ ગાયત્રીનગર-હિંગળાજનગરમાં બન્યા હતા અને એક તબક્કે સ્ટાફ સાથે ઝપાઝપી કરતાં થોડીવાર માટે મામલો ઉગ્ર બની ગયો હતો. એ વાતનો ઈનકાર કોઈ ન કરી શકે કે વૉર્ડ નં.૧૪ના ગાયત્રીનગરમાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે. એક સમયે તો અહીં શાળા પર કબજો લઈને ઢોર બાંધી દેવામાં આવ્યા હતા જેને બહાર કઢાયા હતા. જો કે આ વિસ્તારમાં ઢોરની સંખ્યા ઘટી ન્હોતી અને બહાર ખુલ્લેઆમ ફરતા હોય લોકોને ઢીક લાગવાનો ડર રહેતો હતો. આ અંગેની ફરિયાદ મળતાં જ ઢોરપકડ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને ઘરની બહાર બેઠેલી ગાયોને પકડવાનું શરૂ કરાતાં જ ડેલીમાંથી મહિલાઓ બહાર દોડી આવી હતી અને
ઢોર પકડીને તો જુઓ’ કહીને સ્ટાફ સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી. જો કે સ્ટાફ સાથે વિજિલન્સનો મહિલા સ્ટાફ હોય તેણે મચક આપી ન્હોતી પરંતુ માથાકૂટ ચાલી ત્યાં સુધીમાં બહાર બેઠેલી ગાયોને ડેલીમાં ધકેલી દેવાઈ હોવાથી સ્ટાફ માંડ એક ગાયને પકડી શક્યો હતો.
આવી જ રીતે અમીન માર્ગ પર મણીયાર ક્વાર્ટરના ખૂણે આવેલા હિંગળાજનગરમાં ઢોર પકડવાનું શરૂ કરતાં જ તેના માલિકે દોડી આવી તમામ ઢોરને વાડામાં ધકેલી દીધા હતા. જો કે તેમાંથી એક ગાય વાડામાંથી બહાર આવી જતાં તેને પકડવાનો પ્રયાસ કરાતાં જ માલિકે સ્ટાફ સાથે માથાકૂટ શરૂ કરતાં તેને ડિટેઈન કરી લેવાયો હતો.