હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં ટીપીઓ સાગઠીયાએ પ્લાન પાસ કરી કાંડ કર્યો
કલેકટર કચેરીની બિનખેતી શાખામાં આખી ફાઈલ જ ગાયબ : યુએલસી કાર્યવાહી માટે કુલમુખત્યાર આપ્યું અને કૌભાંડી કાંડ કરી ગયા
રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાના એક પછી એક કાંડ ખુલીને બહાર આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી સમયે 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યા ભાજપનું ચૂંટણી કાર્યાલય ખુલ્યું હતું તે બિલ્ડિંગનો પ્લાન પાસ કરવામાં પણ હાઇકોર્ટના સ્ટે ઓર્ડરના આદેશને મનસુખ સાગઠીયા ઘોળીને પી ગયો હોવાની ચોંકાવનારી ફરિયાદ જમીનના મૂળ માલિકોએ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર સમક્ષ કરી છે, કરોડો રૂપિયાની કુલ 25 હજાર ચોરસ મીટર આ જમીન ઉપર હાલમાં 3500 ચોરસવારમાં બંધાઈ ગયેલા બિલ્ડિંગમાં બિનખેતી પ્રક્રિયા પણ શંકાના દાયરામાં આવી છે અને કલેકટર કચેરીમાં આ પ્રકરણની ફાઈલ જ ગાયબ થયાનું પણ સામે આવ્યું છે.
રાજકોટમાં સમાવિષ્ઠ મવડી સર્વે નંબર 95ની જમીનમાં બિનખેતી પ્લોટ નંબર 39થી 42 અને 50થી 54ની કુલ 25 હજાર ચોરસ મીટર જમીનના મૂળ માલિક એવા એડવોકેટ ધવલભાઈ સોરઠીયા અને મિતભાઈ સોરઠીયા સહિતના 18 વારસદારોએ ચોંકાવનારી હકીકત ઉજાગર કરતા જણાવ્યું હતું કે, 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ આ કિંમતી જમીન મામલે 1991માં કાનજી ભગવાનજી સગપરીયાને યુએલસી કાયદાની કાર્યવાહી કરવા મામલે તેમના પરિવારે કુલ મુખત્યારનામું આપ્યું હતું જે, બાદમાં રદ કરી દેવા છતાં કાનજી ભગવાનજી સગપરીયાએ બોગસ કુલ મુખ્યત્યારનામું બનાવી લઈ અલગ અલગ 15 દસ્તાવેજ 1998માં કરી આપ્યા હતા અને આ દસ્તાવેજમાં હાથેથી આ જમીન 1999માં બિનખેતી થયાંનું લખાણ કર્યું છે જે ચોંકાવનારી બાબત છે સાથે જ એથી પણ ચોંકવનારી બાબત એ છે કે, રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આ પ્રકરણની બિનખેતી ફાઈલ જ ગાયબ છે અને અધિક જિલ્લા કલેકટર દ્વારા આ મામલે સોરઠીયા પરિવારને લેખિતમાં ફાઈલ ખોવાઈ ગયાનું જણાવ્યું છે.
બીજી તરફ સોરઠીયા પરિવાર દ્વારા વખતો વખત કાનૂની લડત આપી આ ચોંકાવનારા જમીન કૌભાંડમાં સત્ય ઉજાગર કરતા કલેકટર, મહેસુલ સચિવ વિવાદમાં સોરઠીયા પરિવારનો કાનૂની વિજય થયા બાદ મામલો હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે જમીન પ્રકરણમાં સ્ટે આપ્યો હોવા છતાં પણ તા.17 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા બધું જાણતા હોવા છતાં અને કોર્ટનો સ્ટે હોવા છત્તા બિલ્ડીંગ પ્લાન મંજુર કરી દેતા જામનગરના બિલ્ડરોએ અહીં બાંધકામ કરી નાખ્યાનો આરોપ લગાવી સમગ્ર મામલે રાજકોટ મહાનગર પાલિકા, કલેકટર અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવા છતાં હજુ ફરિયાદ પરત્વે તપાસ કરવામાં ન આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.
