નવેમ્બર પૂર્ણ થવા છતાં રાજકોટની 45 દુકાનોમાં ઘઉં-ચોખા ન પહોંચ્યા
ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરો સમયસર ગાડીના ભરતા રાજકોટ શહેર અને તાલુકામાં અનાજ-ચોખા ખલ્લાસ, અધિકારીઓ તાલીમમાં
રાજકોટ : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ તાજેતરમાં રેશનકાર્ડ ધારકોને સડેલું અનાજ આપવામાં આવતું હોવાનું ફરિયાદ કર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસીએશને પુરવઠા તંત્રની વધુ એક પોલ છતી કરી ચાલુ મહિને નવેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં શહેરની 45 જેટલી દુકાનોમાં ઘઉ અને ચોખાનો એક પણ દાણો ન પહોંચાડવામાં આવતા અનેક ગરીબ કુટુંબ સરકારની યોજનાના લાભથી વંચિત રહયા હોવાનું જણાવ્યું હતું, બીજી તરફ આ અનાજ અને ચોખા પહોંચાડવાની જેમની જવાબદારી છે તેવા અધિકારીઓ હાલમાં તાલીમમાં હોય કોન્ટ્રાક્ટરોએ સમયસર ગાડીઓ ન મોકલતા આ સ્થિતિ સર્જાયાનો આરોપ લગાવ્યો હતો.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના હિતુભા જાડેજાએ રાજ્યના પુરવઠા પ્રધાનને રજુઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના લગભગ 74 લાખ પરિવારને અન્ન સુરક્ષા કાયદા 2013 અન્વયે મળવાપાત્ર ઘઉં ચોખાનો જથ્થો આપવાની કાયદાકીય જવાબદારી રાજ્ય સરકારની છે અને રાજ્ય સરકારની સૂચના અન્વયે સમયસર જથ્થો વ્યાજબી ભાવની દુકાન ઉપર પહોચે અને ત્યાંથી લાભાર્થીઓ ને મળે એવી વ્યવસ્થાની જવાબદારી ગુજરાત નાગરિક પુરવઠા નિગમની છે. છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરેલ અને જાહેરાત કર્યા મુજબના કલ્યાણકારી યોજનાનો જથ્થો પુરતા પ્રમાણમાં અને સમયસર મળતો નથી જે જગ જાહેર છે. યોજનાનો જથ્થો ના મળવાથી વ્યાજબી ભાવના દુકાનદારોની મૂડીનો વગર વ્યાજે પુરવઠા નિગમ એક મહિના માટે લાભ ઉઠાવી રહ્યું છે અને અમારો દુકાનદાર કમિશનથી વંચિત રહે છે, જેથી બિચારો અને લાચાર ગરીબ લાભાર્થી સરકારની સબસીડીના લાભથી વંચિત રહે છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, કાયદાની જોગવાઈ હેઠળ ઘઉં ચોખાના જથ્થો પણ સમયસર દુકાન સુધી પહોંચતો નથી જેથી રાજ્યના અનેક વિસ્તારમાંથી રોજે રોજ ઢગલાબંધ રજૂઆત આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લા શહેરમાં 45 દુકાન ઉપર તા.21 નવેમ્બર વીતવા છતાં ક્યાંક ઘઉં તો ક્યાંક ચોખાનો એકેય સ્કીમનો એક દાણો પહોંચ્યો નથી રાજકોટ જિલ્લાના અનેક તાલુકાના ગોડાઉન ઉપર ક્યાંક ઘઉં તો ક્યાંક ચોખાનૉ સ્ટોક નથી. ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર દ્વારા સમયસર ગાડીના ભરવાથી આ જથ્થો પહોંચી નથી રહ્યો એવુ સ્થાનિક પુરવઠા મામલતદાર જણાવી રહયા છે. સાથે જ હાલ રાજ્યના મોટાભાગના જિલ્લાના ગોડાઉન મામલતદાર તાલીમ અર્થે અન્ય વહીવટી કારણોસર ગાંધીનગર મોકલવામાં આવ્યાં છે ત્યારે ઇન્ચાર્જના ઇન્ચાર્જ તરીકે કામ કરી રહેલ નિગમના અધિકારીઓ પોતે ચાર્જમાં છે એવુ કહીને જવાબદારીથી ભાગી રહ્યા છે જે જાહેર વિતરણ વ્યવ્શ્થા માટે જરાય યોગ્ય ન હોવાનું ભારપૂર્વક રજૂઆતના અંતે જણાવવામાં આવ્યું હતું.