રાજકોટની મસાલા માર્કેટમાં મંદી જેવો માહોલ
બારે માસ મસાલા એક સાથે ખરીદવાનો ટ્રેન્ડ બદલાયો?
આખા ગરમ મસાલા ખરીદીને દળાવવાના બદલે ગ્રાહકો પેકીંગમાં મળતા મસાલા ખરીદવાનો રાખે છે આગ્રહ: હોળી બાદ મસાલા માર્કેટમાં તેજી આવવાની વેપારીઓને આશા

બારે માસ મસાલા એક સાથે ખરીદવાની સિઝનમાં હાલ રાજકોટમની મસાલા માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. ધાણાજીરું, મરચું, હળદર સહિતના મસાલાના તૈયાર પેકેટ મોલ, દુકાનોમાં મળી રહેતા હોય પહેલાંની જેમ આજના સમયમાં આખા વર્ષ માટેના મસાલા ખરીદવા હાલ બજારમાં ગ્રાહકોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. જો કે, હોળી બાદ મસાલા માર્કેટમાં તેજી જોવા મળે તેવી વેપારીઓ શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

ઉનાળો આવતા જ લોકો ઘરમાં બાર માસ માટેના મસાલા લેવા માટે મસાલા માર્કેટ બાજુ ડોટ મૂકતાં હોય છે. જો કે, આજના ઝડપી યુગમાં હવે બારે માસના મસાલા એક સાથે ભરવાના ટ્રેન્ડમાં પણ બદલાવ આવ્યો હોય તેમ આખા ગરમ મસાલા ખરીદીને દળાવવાના બદલે ગ્રાહકો પેકીંગમાં મળતા મસાલા ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. મરચાં, હળદર, ધાણાજીરું જેવા મસાલા લઈને દળાવવા માટેનો સમય કેટલાક લોકો પાસે નથી. મરચાં માટે પ્રથમ મરચાંની ખરીદી કરી તેના ડિટીયા દૂર કરવા માટે મજૂરી આપવી, ત્યારબાદ દળાવવા માટે આપવું વગેરે જેવો લોકો પાસે હવે સમય રહ્યો નથી. તો બીજી તરફ મોલ કલ્ચરના વધતાં પ્રમાણથી હાલ મોલમાં તમામ મસાલાના પેકેટ તૈયાર મળી રહ્યા છે. આવા સમયે લોકો તૈયાર મસાલો લેવાનો આગ્રહ રાખતા હોવાનું મસાલાનાં વેપારી નવીનભાઈ કોટક જણાવી રહ્યા છે.
રાજકોટની મસાલા માર્કેટમાં મરચાની વાત કરવામાં આવે તો હાલ ડબલ રેશમ પટ્ટો મરચું રૂ.480નું કિલો, સિંગલ રેશમ પટ્ટો રૂ.400, તેજા મરચી રૂ.300, રેવા મરચું રૂ.170 અને સાનિયા મરચું રૂ.150માં મળી રહ્યું છે. જ્યારે મોલમાં પણ ઉપરોક્ત મરચાંના પેકેટ આટલી જ કિંમત આસપાસ મળી રહ્યા છે. માટે ગ્રાહકો તૈયાર પેકેટ ખરીદવા તરફ વળ્યા છે.
મરચાંની જેમ આખી હળદર દળાવીને લોકો ખરીદતા હોય છે. હાલ મસાલા માર્કેટમાં સેલમ હળદર રૂ.350ની કિલો, રાજાપુરી રૂ.250, મૂળા હળદર રૂ.250માં દળાઈને તૈયાર થાય છે. જ્યારે ધાણાજીરુની વાત કરવામાં આવે તો તે રૂ.250નું કિલો મળી રહ્યું છે.
મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં હજુ પણ બાર માસ સુધી ચાલે તેટલા મસાલા ભરવાનું ચલણ છે. હાલ એકબાજુ ધો.10-12 બોર્ડની પરીક્ષા ચાલુ છે તો હોળાષ્ટક પણ બેસી ગયા છે. આવા સમયે હાલ માર્કેટમાં ખરીદી ઓછી છે. હોળી બાદ મસાલા માર્કેટમાં તેજી જોવા મળે તેવું પણ હરદેવસિંહ સોલંકી નામના વેપારીએ જણાવ્યું હતું.