રાજકોટમાં ડેન્ગ્યુનો હાહાકાર : સપ્તાહમાં 21 કેસ
મેલરિયા, ચિકનગુનિયાના પણ 4-4 કેસ : શરદી,ઉધરસ, તાવ અને ઝાડા ઉલ્ટીના કુલ 1936 કેસ
રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ સતત વરસાદી વાતાવરણના કારણે રોગચાળાએ માથું ઉચક્યું હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં જ મચ્છરજન્ય ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે અને મેલરિયા, ચિકનગુનિયાના પણ 4-4 કેસ પણ સામે આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા,ઉલ્ટીના 1936થી વધુ દર્દી કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે.
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારોમાં ભારે વરસાદ બાદ સતત ધાબડીયા વાતાવરણમાં મચ્છરોની ઉત્પત્તિ વધતા છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના તા.2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર દરમિયાન છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના 21, મેલેરીયાના 4, ચિકનગુનીયાના 4 કેસ નોંધાયા છે. સાથે જ ચાલુ વર્ષમાં મેલેરીયાના 24, ડેન્ગ્યુના 133 અને ચિકનગુનિયાના 23 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ટાઇફોઇડ 2 અને કોલેરાનો એક કેસ પણ સામે આવ્યો છે.
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે સીઝનલ રોગચાળો પણ વકર્યો છે જેમાં શરદી-ઉધરસના કેસ 942 તેમજ સામાન્ય તાવના 645 અને ઝાડા-ઉલ્ટીના કેસ 349 કેસ સામે આવ્યા છે.રોગચાળાના પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ 99435 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ હોવાનું તથા 4929 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 400 થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા 376 લોકોને નોટીસ પાઠવી હતી. જયારે 8 હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.