ડેંગ્યુના આખા વર્ષમાં ન મળ્યા એટલા કેસ એક જ મહિનામાં નોંધાયા !
જાન્યુઆરીથી ઑગસ્ટ સુધીના ૮ મહિનામાં ૧૦૩ તો સપ્ટેમ્બરના ૩૦ દિ’માં જ મળ્યા અધધ ૨૯૬ દર્દી
૧૫થી ૫૫ વર્ષના દર્દી સૌથી વધુ: ૦થી ૫ અને ૫થી ૧૫ વર્ષ સુધીના બાળકને પણ એટલી અસર: તહેવારો વખતે જ ડેંગ્યુના `ઉપાડા’થી ગજબનો ફફડાટ
રાજકોટ સહિત આખા ગુજરાતમાં અત્યારે ડેંગ્યુના રોગચાળાએ માથું ઉંચક્યું છે. દવાખાના અને મોટી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે રોગચાળાની સ્થિતિ શહેરમાં પણ ઘણી બીહામણી હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. આવું એટલા માટે કેમ કે ડેંગ્યુ જેવી ઘાતક બીમારીના આખા વર્ષમાં ન મળ્યા હોય તેટલા કેસ એક જ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાન્યુઆરીથી ઑગસ્ટ સુધીના આઠ મહિનામાં ૦થી લઈ ૫૫ વર્ષ સુધીના ૧૦૩ લોકોને ડેંગ્યુ પોઝિટીવ આવ્યો હતો. જેની સામે સપ્ટેમ્બરના ૩૦ જ દિવસમાં ૨૯૬ દર્દીઓ નોંધાઈ ગયા છે. જો કે સિવિલમાં આખા સૌરાષ્ટ્રમાંથી ડેંગ્યુના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા હોય આ આંકડો એકલા રાજકોટનો જ નથી પરંતુ રાજકોટમાં પણ છેલ્લા એક મહિનામાં ડેંગ્યુના કેસ દર સપ્તાહે ૨૫થી વધુ મળ્યા છે.
ઉંમરવાઈઝ ડેંગ્યુના કેસની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં ૦થી ૫ વર્ષના ૬૮ બાળક, ૫થી ૧૫ વર્ષના ૬૪, ૧૫થી ૫૫ વર્ષના ૧૫૬, ૫૫ વર્ષના ૮ મળી કુલ ૨૯૬ દર્દી સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. આ સિવાય જાન્યુઆરીમાં ૧૫, ફેબ્રુઆરીમાં ૧૦, માર્ચમાં ૨, એપ્રિલમાં ૧૫, મેમાં ૬, જૂનમાં ૩, જૂલાઈમાં ૩૦ અને ઑગસ્ટમાં ૧૦૩ દર્દી નોંધાયા હતા. આ રીતે સપ્ટેમ્બરમાં ડેંગ્યુની રીતસર લહેર આવી ગઈ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ડેંગ્યુનો અત્યાર સુધી ન જોવાયો હોય એવો સ્ટે્રન તરખાટ મચાવી રહ્યો હોવાથી કેસ વધુ
આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિ. ડૉ.હેતલ ક્યાડાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે પાછલા વર્ષોમાં ક્યારેય ન જોવા મળ્યો હોય ડેંગ્યુનો તેવો ખતરનાક સ્ટે્રન અત્યારે તરખાટ મચાવી રહ્યો હોવાથી કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ભાદરવા માસમાં રોગચાળો માથું ઉંચકતો હોય છે પરંતુ આ વખતે તેમાં ચિંતાજનક વધારો થયો છે સાથે સાથે ડેંગ્યુને કારણે થઈ રહેલા મૃત્યુમાં પણ આ વખતે ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી ચોમાસું સંપૂર્ણ વિદાય ન લઈ લ્યે ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે.