રાજકોટમાં ખરાબ હવામાનને કારણે દિલ્હી-મુંબઈની ફ્લાઈટ ડાયવર્ટ
અનેક મુસાફરો રઝળ્યા: ઈન્ડિગોની બેંગ્લુરુની ફ્લાઈટ કેન્સલ
રાજકોટના વાતાવરણમાં પલટો આવી જતાં તેની સીધી અસર હવાઈ મુસાફરી ઉપર પડી છે. વરસાદ તેમજ ભારે પવનને કારણે રાજકોટ એરપોર્ટ ઉપર બબ્બે ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવતાં મુસાફરો રઝળી પડ્યા હતા.
જાણવા મળ્યા પ્રમાણે સાંજે ૭:૨૫ વાગ્યે રાજકોટ આવનારી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટનું ઉતરાણ શક્ય ન બનતાં તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ જ રીતે એર ઈન્ડિયાની સાંજે ૫:૨૦ વાગ્યે આવતી મુંબઈ-રાજકોટ-મુંબઈ ફ્લાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરાતાં મુસાફરોએ અમદાવાદ સુધી દોડધામ કરવી પડી હતી.
આ ઉપરાંત ઈન્ડિગોની બેંગ્લોર-રાજકોટ-બેંગ્લોર ફ્લાઈટ ટેક્નીકલ કારણોસર રદ્દ કરવામાં આવી હતી. આમ એક જ દિવસમાં રાજકોટ એરપોર્ટ ઉપર બે ફ્લાઈટને ડાયવર્ટ અને એકને રદ્દ કરાતાં મુસાફરોને રઝળપાટ થઈ જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી એરપોર્ટ ઉપર ફ્લાઈટની અવર-જવર ખોરવાઈ જવા પામી હોય મુસાફરોમાં દેકારો બોલી ગયો છે.