અગ્નિકાંડમાં હજુ 48થી 72 કલાકે મૃતદેહો સોંપાશે
ડીએનએ ટેસ્ટની જટિલ પ્રક્રિયા માટે હતભાગી પરિવારોના ડીએનએ મેચિંગ બાદ અંતિમવિધિ થઇ શકશે
રાજકોટ : વિધિની વક્રતા કહો કે કરમની કઠણાઈ કહો, રાજકોટમાં સયાજી હોટલ પાછળ આવેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં વિકરાળ આગમાં બળીને ભડથું થઇ ગયેલા નિર્દોષ 31 લોકોના અકાળે અવસાન બાદ પણ હજુ હતભાગીઓના પરિવારજનોને વિધિવત રીતે મૃતદેહોનો કબ્જો સોંપવામાં કમસે કમ 48થી 72 કલાકનો સમય લાગે તેમ છે, અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા હતભાગીઓના મૃતદેહ એટલી હદે બળ્યા છે કે, મૃતદેહ સ્ત્રીનો છો કે પુરુષનો એ પણ કેહવું મુશ્કેલ છે ત્યારે ડીએનએ ટેસ્ટ બાદ જ મૃતદેહની ઓળખ મળશે અને ત્યારબાદ જે તે પરિવારજનોને મૃતદેહનો કબ્જો સોંપવામાં આવશે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર મોકાજી સર્કલ પાસે આવેલ સયાજી હોટલની પાછળ ટીઆરપી ગેમઝોનમાં ગઈકાલે આગ લાગ્યા બાદ મોતનું તાંડવ ખેલાતા સુરત તક્ષશિલા કાંડથી પણ વધુ ખતરનાક અગ્નિકાંડમાં કુલ 31 નિર્દોષ માનવજિંદગી મિનિટોમાં જ મૃત્યુને ભેટી હતી, ખાસ કરીને ગેમઝોનમાં ગોકાર્ટ અને અન્ય ગેમ માટે સંગ્રહી રાખવામાં આવેલા પેટ્રોલ-ડીઝલના જથ્થાએ બળતામાં ઘી હોમવા જેવું કામ કરતા આ દુર્ઘટનામાં મૃત્યુને ભેટનાર લોકોની ઓળખ મેળવવી મુશ્કેલ બની છે અને કેટલાક હટાભાગીઓના મૃતદેહ તો એટલી હદે બળી ગયા છે કે જેમાં મૃતક સ્ત્રી હતા કે પુરુષ તેવી ઓળખ પણ મળી શકે તેમ ન હોવાથી પોલીસ દ્વારા તમામ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ વિભાગમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
તબીબી સૂત્રોના જણાવ્યા મુજબ જે જે પરિવારોએ તેમના વ્હાલસોયા ગુમાવ્યા છે તે તમામ પરિવારોના બ્લડ સેમ્પલ સહિતના નમૂના મેળવવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે, ડીએનએ ટેસ્ટમાં વાળ, રક્ત,શરીરની કોશિકાઓ, સ્કિન સહિતના સેમ્પલ ઉપરથી વ્યક્તિની ઓળખ મેળવી શકાતી હોય છે, રાજકોટ અગ્નિકાંડના કિસ્સામાં મૃતદેહો બળીને ખાખ થયા હોય હતભાગી પરિવારના જેટલા સભ્યો હોય તે તમામના સેમ્પલ મેળવી બાદમાં પરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ મૃતકના ડીએનએ સાથે મેચ કરવામાં આવશે અને આ પ્રક્રિયા માટે કમ સે કમ 48થી 72 કલાકનો સમય લાગે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.