DDO ડો. નવનાથ ગવ્હાણે ૧૨વી ફેઇલ ફિલ્મને ટક્કર મારે તેવી છે IAS બનવાની સફર
યુપીએસસીની પરીક્ષામાં ત્રણવાર ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા: પાંચમા પ્રયાસમાં મળી સફળતા: પ્રથમ બનાસકાંઠામાં આસી.કલેકટર તરીકે ફરજ બજાવી: ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસ કોર્પો.લી.ના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે સફળ કામગીરી કરી
જીતનો કોઈ શોર્ટ કટ નથી, સખત મહેનત જ પરિણામ આપી શકે
યુવાનોને સંદેશ આપતા જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથએ કહ્યું હતું કે, હંમેશા મહેનત કરવી. જીત માટે કોઈ શોર્ટ કટ હોતો નથી. હારથી થાકવું કે ગભરાવવું નહી. ઉપરાંત યુવાનો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતાં હોય છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી સોશિયલ મીડિયાના ઉપયોગ વિષે કહ્યું હતું કે, સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરવો જોઈએ. આજે ઈન્ટરનેટ દ્વારા આખું વિશ્વ મોબાઇલમાં સમાઈ ગયું છે. મોબાઇલમાં અનેક ઉપયોગી જાણકરી મળી રહે છે. ઉપરાંત યુવાનોને પોતાની ભાષા સાથે પ્રામાણિક રહેવા કહ્યું હતું. સાંસ્કૃતિક ધરોહરોનું મૂલ્ય સમજવું જોઈએ.
તાજેતરમાં જ આવેલી ફિલ્મ ૧૨વી ફેઇલને પણ ટક્કર મારે તેવી સંઘર્ષની કહાની છે રાજકોટમાં નવા આવેલા ૨૦૧૬ની બેન્ચના આઈએએસ અને રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેની. યુપીએસસીની ખૂબ જ અઘરી ગણાતી પરીક્ષામાં ત્રણવાર ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા પરંતુ સફળતાનો સ્વાદ ન મળ્યો. થાકીને હારી જઈને બેસી રહેવાને બદલે સખત મહેનત કરવામાં માનતા ડો. નવનાથ પાંચમાં પ્રયાસમાં યુપીએસસીનું ઇન્ટરવ્યૂ પાસ કરીને વર્ષ ૨૦૧૬માં આઇએએસ અધિકારી બન્યા.
તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલી કરવાં આવી હતી. જેમાં રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગાંધીનગરથી ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસ કોર્પો.લી.ના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડો. નવનાથ ગવ્હાણેને મૂકવામાં આવ્યા છે. ડો.નવનાથ ગવ્હાણેની આઇએએસ બનવાની કહાની પણ ફિલ્મની સ્ટોરીને ટક્કર માટે તેવી છે. તાજેતરમાં જ ખૂબ જ ચર્ચામાં આવેલી ફિલ્મ ૧૨વી ફેઇલમાં અભિનેતા જે રીતે સંઘર્ષ કરીને યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે તેવો જ સંઘર્ષ આઈએએસ ડો. નવનાથ ગવ્હાણેએ પણ કર્યો છે.
મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના વતની અને સામાન્ય પરિવારમાંથી આવતા ડો. નવનાથ ગવ્હાણે બે ભાઈઓમાં મોટા છે. એમણે એમબીબીએસ સુધીનો અભ્યાસ લાતૂરથી કર્યો છે. તેમના નાના ભાઈ પણ ડૉક્ટર છે. જ્યારે પરિવારમાં કોઈ સિવિલ સર્વિસીસમાં નથી. તેમ છતાં તેઓ યુપીએસસીની પરીક્ષા અંગેના કોઈ માર્ગદર્શન વગર જ તૈયારી કરી અને પરીક્ષા પણ પાસ કરી. “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં આઈએએસ ડો. નવનાથએ જણાવ્યું હતું કે, હતું કે, વર્ષ ૨૦૧૧થી યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન મે ત્રણવાર પ્રિલીમસ અને મેન્સ ક્લિયર કરી પરંતુ ઇન્ટરવ્યૂમાં પાસ ન થયો. પાંચમા પ્રયાસમાં પ્રિલીમસ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પણ પાસ કર્યું અને વર્ષ ૨૦૧૬માં મને સફળતા મળી.
આઈએએસ ડો. નવનાથ ગવ્હાણેએ સૌ પ્રથમ બનાસકાંઠામાં આસી.કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે. હાલ રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે ફરજ બજાવી રહ્યા છે. અગાઉ તેઓ સુરેન્દ્રનગરમાં પણ ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આઈએએસ બનવાનો વિચાર કઈ રીતે આવ્યો તે અંગે એમણે કહ્યું હતું કે, હું પણ ગ્રામીણ વિસ્તારમાંથી આવું છે. માટે મે ગ્રામ્ય વિસ્તારોની હાલત જોઈ છે. જેમાં બદલાવ લાવવો જરૂરી છે. ઉપરાંત અધિકારી અશોક રાવ કામઠે કે જેઓ મુંબઈ ૨૬/૧૧ના હુમલામાં શહીદ થયા હતા. તેઓથી હું ખૂબ જ પ્રભાવિત છું અને મને તેમનામાંથી જ આઇએએસ અધિકારી બનવાની પ્રેરણા મળી. જો હું આઇએએસના હોત તો ડોકટર તરીકે સેવા આપતો હોત તેવું જિલ્લા વિક્સ અધિકારી ડો. નવનાથનું કહેવું છે. પોતાના વિઝન વિષે કહ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય તેવા માંરા પ્રયાસો રહેશે.
ગુજરાતીઓ વિષે વાત કરતાં કહ્યું હતું કે, ગુજરાતની તાકાત ગુજરાતી લોકો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતો. ગુજરાતીઓની કોઠાસૂજથી હું ખૂબ જ આકર્ષિત થયો છું. અહીના લોકો ક્યારેય નેગેટિવ થતાં નથી. તેઓ ખૂબ મહેનતુ છે. હું ગુજરાતથી પણ ખૂબ જ ઇમ્પ્રેસ થયો છું. મને ગુજરાતમાં જ્યારે જમવા વિષે પૂછવામાં આવે તો હું કાઠિયાવાડી ભોજન પસંદ કરું છે. મહારાષ્ટ્ર અને કાઠિયાવાડી ભોજનમાં ઘણી સામ્યતા છે. બાજરાના રોટલા મને ખૂબ પસંદ છે.
કાઠિયાવાડી લોકો દિલખુશ છે: ડીડીઓ ડો. નવનાથ ગવ્હાણે
રાજકોટ અને સૌરાષ્ટ્ર એટલે કે કઠિયાવાડના લોકો દિલખુશ લોકો છે. અહીની વાઈબ રાજા જેવી છે. લોકો રાજાની જેમ પોતાનું જીવન જીવે છે. તેવું જિલ્લા વિકાસ અધિકારીનું કહેવું છે. એમણે કહ્યું હતું કે, રાજકોટ શહેરની વાઈબ જ કઈક અલગ છે. અહી કોઈ પણ વ્યક્તિ આવે તે પોતે જ રાજા હોય તેવો અનુભવ કરે છે.
ગુજરાતી નાટકો જોવાનો અને ઇતિહાસનો અભ્યાસ કરવાનો શોખ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી આઈએએસ ડો. નવનાથ ગવ્હાણેએ પોતાના શોખ વિષે કહ્યું હતું કે, મને દેશમાં જુદા-જુદા સ્થળોએ આવેલા કિલ્લાઓ જોવાનો, જૂના-પ્રાચીન મંદિરો જોવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. હું નવરાશના સમય ધાર્મિક સાહિત્યો અને ઇતિહાસનો અભ્યાસ કરવાનું પસંદ કરું છે. ઉપરાંત ગુજરાતી નાટકો પણ મને જોવા ગમે છે.