યુવકને લોકઅપમાં માર માર્યાના ઘેરા પડઘા: SP સહિત ૭ને હાઈકોર્ટનું તેડું
મહિલા પીઆઈ સહિતને પશુ હત્યા પ્રકરણમાં યુવકને ઘુસ્તાવ્યો’તો
પોલીસ લોકઅપમાં યુવકને માર મારવાનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો ન હોય હવે પીડિતો કોર્ટના દ્વાર ખટખટાવી રહ્યા છે. આવું જ કંઈક ભરુચના મનુબર ગામે બનવા પામ્યું છે. એક યુવકને લોકઅપમાં માર માર્યાના ઘેરા પ્રત્યાઘાત રૂપે હાઈકોર્ટે ભરુચ એસપી સહિત ૭ પોલીસ અધિકારી-જવાનોને કોર્ટમાં હાજર રહેવા ફરમાન આપતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
થોડા સમય પહેલાં મનુબર ગામે હત્યા પ્રકરરમાં તબરેજ મુબારક મુગલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી જો કે તેનો અરેસ્ટ મેમો ભરવામાં આવ્યો ન હતો સાથે સાથે મેડિકલ ચેકઅપનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો ન્હોતો. પોલીસ દ્વારા તબરેજને માર મારવાને કારણે કિડની ડેમેજ થઈ જવા પામી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત ન નિવડતાં ખાનગી હોસ્પિટલમાં એક વખત ડાયાલિસીસ કરાવાયું હતું. ત્યારબાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પણ ત્રણ વખત ડાયાલિસીસ કરાવી કિડની રિકવર કરાવાઈ હતી.
આ પછી તબરેજ મુબારકે હાઈકોર્ટમાં રૂરલ પીઆઈ પ્રકૃતિ ઝણકાટ સહિત સાત સામે ફરિયાદ નોંધાવતાં હાઈકોર્ટે ભરુચ એસપી ઉપરાંત પીઆઈ સહિતનાને ૨૭ ઑગસ્ટે હાજર થવા ફરમાન આપ્યું છે. પીઆઈ પ્રકૃતિ ઉપરાંત ડી.એ.ક્રિશ્ચિયન, શૈલેષ પરાગભાઈ, અશોક દેવશીભાઈ, અશ્વિન રતાભાઈ, વિજય મથુરભાઈ, મનુબર બીટ જમાદાર કાલિદાસ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.