રાજકોટમાં પણ મુંબાઈવાળી થાય તે પહેલા હોર્ડીંગ માફિયાઓ પર લગામ નાખો: કોંગ્રેસ
શહેરમાં હોર્ડીંગનો સર્વે કરી ચોમાસા પૂર્વે ભયજનક, ગેરકાયદેસર હોર્ડીંગ ઉતરાવવા, મંજૂરી વિનાના ઉભા કરાયેલા હોર્ડીંગના માલિકો સામે એફ.આઇ.આર દાખલ કરવા સહિતની કરી માંગ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ સમિતિ દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, જે રીતે મુંબઇમાં મીની વાવાઝોડા દરમિયાન મહાકાય હોર્ડીંગ પડ્યું હતું અને ૧૬ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. તેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે શહેરમાં ખડકાયેલા મોતના માચડા ખડકનાર હોર્ડીંગ માફિયાઓ ઉપર લગામ નાખવામાં આવે.
કોંગ્રેસ સમિતિ દ્વારા વધુમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્ય વ્યાપી હોર્ડીંગની ચકાસણી કરવા અને દેરકાયદે તેમજ જોખમી હોય તેવા હોર્ડીંગ દૂર કરવા આદેશ કરાયો છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં શેરી-ગલીએ અનેક ગેરકાયદેસર હોર્ડીંગ બોર્ડ આવેલા છે. પરંતુ તે દૂર કરવા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટમાં પણ મુંબઈ જેવી ભયાનક દુર્ઘટના સર્જાય તે પૂર્વે એડ એજન્સીઓ ઉપર લગામ નાખવા મ્યુ.કમિશનર સમક્ષ માંગ કરવામાં આવી છે.
કોર્પોરેશનનું તંત્ર માત્ર નોટિસો આપીને પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. આ બાબતે કમિશનર લેવલે કડક પગલાં લેવાય તે જરૂરી છે. વધુમાં કહ્યું હતું કે, હોર્ડીંગ બોર્ડની કામગીરી સંભાળતા ટાઉન પ્લાનિંગ સ્ટાફ, એસ્ટેટ બ્રાંચનો સ્ટાફ અને દબાણ હટાવ વિભાગના સ્ટાફ અનેક કર્મચારીઓ એડ એજન્સીઓ પાસેથી હપ્તા લે છે. તેવી રજૂઆત અમને મળી છે. ત્યારે આ કામગીરી સંભાળતા અધિકારીઓ અને કર્મચારીઓની સંપતિની તપાસ થવી જોઈએ.
આ સહિત રાજકોટમાં તાત્કાલિક અસરથી હોર્ડિંગનો સર્વે કરી ચોમાસા પહેલા ગેરકાયદે અને ભયજનક હોર્ડીંગ ઉતરાવવા, રેકર્ડ પર નોંધાયેલા ન હોય તેવા અને મંજૂરી વિના ઉભા કરાયેલા હોય તેવા હોર્ડીંગ-બોર્ડના માલિકો સામે એફઆઇઆર નોંધાવા સહિતના મુદ્દે મ્યુ. કમિશનરને માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.
