મોરબી રોડ ઉપર ઝુંપડા હટાવાતા ટોળાએ કલેકટર કચેરીમાં ધામા નાખ્યા
કરે કોર્પોરેશન… અને ભરે… કલેકટર જેવો ઘાટ
ઓવરબ્રિજ નજીક રહેતા 25થી વધુ ગરીબ પરિવારોએ બાળકો સાથે કલેકટર કચેરીમાં અડિંગો જમાવ્યો
મોરબી : રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ વેલનાથપરા ઓવરબ્રિજ નજીક ખુલ્લા મેદાનમાં ઝુંપડા બાંધીને રહેતા ગરીબ પરિવારોને મહાનગર પાલિકાની ટીમે મેદાનમાંથી હટાવતા જ 20થી 25 જેટલા ગરીબ પરિવારોએ પોતાના બાલબચ્ચા સાથે જિલ્લા કલેકટર કચેરીમાં ધામા નાખ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના મોરબી રોડ ઓવરબ્રિજ નજીક વેલનાથપરામાં ખુલ્લા મેદાનમાં ઝુંપડા બાંધીને રહેતા ગરીબ પરિવારોને મહાનગર પાલિકાની ટીમોએ ત્યાંથી હટાવી દેતા 20થી 25 જેટલા ગરીબ પરિવારો જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. આ ગરીબ પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી આ મેદાનમાં ઝુંપડા બાંધીને વસવાટ કરીએ છીએ અને શાકભાજી, ફ્રૂટ તેમજ ભંગારનો ધંધો કરી જીવનનિર્વાહ કરી છે. વધુમાં આશરો છીનવાઈ જતા હાલમાં અમારા બાળકો કડકડતી ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છીએ તેમ જણાવી કલેકટર તંત્ર પાસે ન્યાય માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોરબી રોડ ઉપર રહેતા ગરીબ પરિવારોનો આશરો છીનવાઈ જતા નાના-મોટા બાળકો સાથે તેઓ સવારથી કલેકટર કચેરીના મેદાનમાં અડિંગો જમાવ્યો હતો અને બાળકોને તો કલેકટર કચેરીના બગીચામાં મોજ પડી ગઈ હતી.