મેઘ થપાટ ! રાજકોટના ખેડૂતોને રૂપિયા 57 કરોડની પાક નુકશાની
ઓગસ્ટમાં અતિવૃષ્ટિને કારણે રાજકોટ જિલ્લાના 42,400 ખેડૂતોનો પાક ધોવાયો
રાજકોટ : જન્માષ્ટમી સમયે ઓગસ્ટ મહિનામાં રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને વ્યાપક નુકશાન પહોંચતા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 506 ગામોમાં 57 ટિમો મારફતે હાથ ધરવામાં આવેલ સર્વેને અંતે જિલ્લાના 42,400 ખેડૂતોને 57 કરોડ જેટલું નુકશાન પહોંચ્યું હોવાની ફાઇનલ રિપોર્ટ તૈયાર કરી સરકારમાંથી પાક નુકશાની સહાય ચૂકવવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ વરસાદી હેલી વરસતા જિલ્લામાં ખેડૂતોના ખરીફ પાકોને નુકશાન પહોંચતા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગની 57 ટિમો મારફતે 506 ગામમાં ખેડૂતોને થયેલા ખરીફ પાકના નુકશાન અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે પૂર્ણ થતા ખેડૂતોને નુકશાન સહાય ચૂકવવા માટે સરકારમાં દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.
દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં થેયલ ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ ખરીફ સીઝનમાં વાવેલા ક્પાસ, મગફળી, મરચી સહિતના પાકોને વ્યાપક નુકશાન થયું હતું, વધુમાં જિલ્લા પંચાયતની 57 ટીમો દ્વારા 506 ગામોમાં હાથ ધરવામાં આવેલ સર્વે બાદ કુલ 42,400 ખેડૂતોને થયેલ પાક નુકશાન સહાય ચૂકવવા માટે 57 કરોડ રૂપિયાની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.