મેટોડામાં ૧૫ શ્રીમીકોને મારમારનાર કંપનીના માલિક સહીત ત્રણ સામે ગુનો નોંધાયો
ચોરીનો આળ મૂકી મજૂરોને ઢોર માર મારવા અંગે મધ્યપ્રદેશ પોલીસે ફરીયાદ ટ્રાન્સફર કરી
લોધિકા મેટોડામાં આવેલી કોર કેબલ પ્રા. લી.માં ૧૨ દિવસ પૂર્વે કંપનીમાં નોકરી કરતા મધ્યપ્રદેશના અનૂપપુરના ૧૫ જેટલા આદિવાસી યુવાનો ઉપર પર ચોરીનું આળ મૂકીને તેમને બંધક બનાવી માર માર્યાના બનાવમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ રજૂઆત બાદ મધ્યપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી ત્રણ સામે ગુન્હો દાખલ કરી ફરીયાદ રાજકોટ રૂરલ પોલીસને મોકલતા લોધીકા પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરવા વધુ તપાસ શરુ કરી છે.
મધ્યપ્રદેશના અનુપપુરના ચચાઇ ગામના વતની અને મેટોડા જીઆઇડીસીમાં આવેલ કોર કેબલ પ્રા. લી.માં નોકરી કરતા પ્રેમલાલ કોલ મુન્નાલાલ કોલની ફરીયાદને આધારે કંપનીના માલીક ફકરૂદીન વોરા, ડ્રાઇવર ધવલ તથા મેનેજર દિપક સામે લોધીકા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૪-૮ ના રોજ આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો ઉપર કંપનીના કેબલ વાયર ચોરીનો આક્ષેપ મૂકી એ. એલ. એસ. કેબલથી તથા ઢીકાપાટુનો આડેધડ મારમારી જાતિપ્રત્યે અપમાનીતી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. અત્યાચારનો ભોગ બનેલા ૧૫ આદિવાસી યુવાનોને મારમારી અને મોબાઈલ ફોન તેમજ આધારકાર્ડ લઇ તમામને ગોંધી રાખ્યા હતા. જેમાં ચાર મજુરોને ગંભીર ઈજા થઇ હતી. આ ઘટના બાદ શ્રમિકોને ટ્રેનમાં તેમના વતન અનૂપપુર મોકલી દીધા હતા. મામલો આદિવાસી દિવસે મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પાસે પહોચ્યો હતો તેમણે ફરીયાદ માટે શિવરાજસિંહ સરકારને રજૂઆત કરી હતી. આ ઘટનામાં મધ્યપ્રદેશના શહડોલના એડીજી ડી.સી.સાગરે આ મામલે હાલ ઝીરો નંબરથી આદિવાસી યુવાન સંતલાલ,મુકેશ,શિવમ અને પ્રેમલાલને મારમારવા અંગે કંપનીના ફકરુંદિન,ધવલ અને દીપક સામે આઈપીસી કલમ ૨૯૪,૩૨૩,૫૦૬,૩૪ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોધવામાં આવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું આ ફરીયાદ રાજકોટ લોધિકા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા લોધિકા પોલીસે ફકરુંદિન,ધવલ અને દીપકની ધરપકડ માટે તજવીજ શરુ કરી છે.