હથિયારના શોખીનો સામે કડકાઈ: ૯૦ દિ’માં ૪૦ના લાયસન્સ રદ્દ !
માત્ર કમરનો ભાર વધારવા માટે જ બંદૂક ટીંગાડનારા સાવધાન…
ત્રણ મહિનામાં એક પણ નવું હથિયાર ઈશ્યું નહીં: રિન્યુ માટે મુકનારા લાયસન્સધારકોના તરેહ તરેહના બ્હાના સાંભળી અધિકારીઓ પણ સ્તબ્ધ
એક મહિલાએ કહ્યું, તેના પતિની ફેક્ટરી પર અવર-જવર કરવાની હોવાથી હથિયાર લીધું’તું, જો કે તેને એ ન્હોતી ખબર કે તેના પતિને ફેક્ટરી શેની છે !!
આવનારા દિવસોમાં હજુ વધુ લાયસન્સ રદ્દ થવાના ભણકારા: દરેક પાસાં ચકાસ્યા બાદ જ રિન્યુઅલ અરજી મંજૂર કરવાનો આગ્રહ
રાજકોટના રસ્તા પર નીકળો એટલે એકાદ-બે લોકો તમને કમરે બંદૂક ટીંગાડીને નીકળતા જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું…! કમરે હથિયાર ટીંગાડવું એક ફેશન ગઈ હોય તેવી રીતે ઘણાખરા લોકો એવા છે જેમને જરૂર ન હોવા છતાં તેમણે હથિયાર માટેનું લાયસન્સ મેળવી લીધું છે અને લોકો વચ્ચે પોતાનો માભો પડે એટલા માટે જ હથિયાર રાખવાનો શોખ ધરાવે છે ! જો કે હથિયારના આવા શોખીનો સામે પોલીસે હવે કડક વલણ અખત્યાર કરતા ૯૦ દિવસની અંદર ૪૦ લાયસન્સ રદ્દ કર્યા હોવાની વિગતો આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ત્રણ મહિના એટલે કે જૂન, જૂલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ મહિના દરમિયાન એક પણ નવું લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું નથી. અત્યારે નવા હથિયાર માટે અરજીઓ તો આવી રહી છે પરંતુ તેના ઉપર કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. નવા હથિયારનું લાયસન્સ આપવા અંગે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તે તમામ ઉપર ખરા ઉતર્યા બાદ જ લાયસન્સ ઈશ્યુ કરવામાં આવશે.
જે ૪૦ હથિયાર લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે તે તમામ રિન્યુ માટે મુકવામાં આવ્યા હતા. જો કે જે હેતુ માટે હથિયારનું લાયસન્સ મુકવામાં આવ્યું હતું હેતુ સાંભળી-વાંચીને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ જવા પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પૈકીનું જ એક ઉદાહરણ પણ મળ્યું છે જે પ્રમાણે એક મહિલાએ પોતાના હથિયારની મુદ્દત પૂર્ણ થઈ જતાં લાયસન્સ રિન્યુ કરવા માટે અરજી કરી હતી. આમ તો આ અરજી નામંજૂર થાય તેવી ભીતિ મહિલાને હોય તેણે અગાઉથી જ કહી દીધું હતું કે નામંજૂર કરતા પહેલાં તેને એક વખત સાંભળવામાં આવે. આ માંગણીને માન આપી તે મહિલા અરજદારને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. આ પછી તેમણે શા માટે હથિયાર મેળવ્યું છે તેનું કારણ પૂછવામાં આવતાં મહિલા અરજદારે તેમના પતિની ફેક્ટરી પર અવર-જવર કરવાની હોવાથી હથિયાર લીધાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમના પતિને શેની ફેક્ટરી છે તે અંગે પૂછવામાં આવતાં મહિલાએ કહ્યું હતું કે `એ ખબર નથી !’ આ સાંભળીને તુરંત જ તેમની અરજી નામંજૂર કરી નાખવામાં આવી હતી !
જે પ્રમાણે ૯૦ દિવસની અંદર હથિયારના ૪૦ લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે તે જોતાં આવનારા દિવસોમાં આ સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી. આ ઉપરાંત દરેક પાસા ચકાસ્યા બાદ જ હથિયારનું લાયસન્સ રિન્યુ કરવાનો આગ્રહ પણ રાખવામાં આવી રહ્યો છે.
સૌથી વધુ હથિયાર પરવાના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં
એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે રાજકોટમાં અત્યારે ત્રણ હજારથી વધુ હથિયાર પરવાનેદારો છે જે પૈકી સૌથી વધુ હથિયાર પરવાના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં રહેતાં લોકો ધરાવે છે. આ પછી યુનિવર્સિટી પોલીસ મથક કે જે ગાંધીગ્રામ-૨ પોલીસ મથક તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં પણ હથિયાર પરવાનેદારોની સંખ્યા નોંધપાત્ર હોવાની વિગતો મળી રહી છે. જો કે કોઈ પણ વિસ્તારના પરવાનેદારની રિન્યુઅલ માટેની અરજી આવે એટલે દરેક પ્રકારની ખરાઈ કરાયા બાદ જ મંજૂરી આપવામાં આવી રહી છે.