કોર્પોરેશનના અધિકારીઓ નાગરિકોને મફત વીજળી મેળવવા સમજાવશે
પીએમ સૂર્ય ઘર યોજના માટે હવે કોર્પોરેશનની દોડાદોડી
દરેક વોર્ડમાં કેમ્પ યોજશે, વોર્ડ નંબર 1માં યોજવામાં આવેલ પ્રથમ કેમ્પમાં 160 નાગરિકો હાજર રહ્યાનો તંત્રનો દાવો
રાજકોટ : કેન્દ્ર સરકારની “પી.એમ.-સુર્ય ઘર: મફત વીજળી” યોજનાથી શહેરીજનોને માહિતગાર કરવા મહાનગર પાલિકા દ્વારા તમામ 18 વોર્ડમાં કેમ્પ યોજવા જાહેર કર્યું છે જે અન્વયે મંગળવારે વોર્ડ નં.૧થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી વોર્ડ વાઈઝ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મફત વીજળી મેળવવાની સાથે કમાણીની તક અંગે કોર્પોરેશનના અધિકારીઓ નાગરિકોને સમજ આપશે, પ્રથમ દિવસે વોર્ડ નંબર 1માં 160 નાગરિકો આ કેમ્પમાં હાજર રહયા હોવાનો તંત્રે દાવો કર્યો છે.
મહાનગર પાલિકાના અધિકારીઓએ પીજીવીસીએલના સહયોગથી શહેરના તમામ વોર્ડમાં કેમ્પ યોજી સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. અધિકારીઓએ કેમ્પમાં જણાવ્યું હતું કે, દર મહિને ૩૦૦ યુનિટ મફત વીજળી દ્વારા ૧ કરોડ ઘરોને સુવિધા પૂરી પાડતી આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં મોટી રકમની સબસિડી આપી રહી છે જેનો લાભ લઈ, દેશવાસી પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચીને પૈસા કમાવવાની સુવિધા પૂરી પાડે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧.૩ કરોડથી વધુ લોકોએ “પી.એમ. સૂર્ય ઘર યોજના” માટે અરજી કરી છે.
શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી “પી.એમ.-સૂર્ય ઘર: મફત વીજળી” યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્પનું તા.૦૩-૧૨-૨૦૨૪ થી તા.૨૪-૧૨-૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્પનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજે વોર્ડ નંબર-2માં ગીત ગુર્જરી સોસા.,રામેશ્વર ચોક પાસે,ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે,રાજકોટ ખાતે કેમ્પ યોજવામાં આવશે.
મંગળવારે યોજાયેલ કેમ્પમાં કેમ્પમાં કોર્પોરેટર અલ્પેશભાઈ મોરજરીયા, રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જી. બી.ડી.જીવાણી, મેનેજર કૌશિક ઉનાવા, વોર્ડ ઓફિસર કિંજલબેન ચોલેરા, પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઈજનેર બી.એમ.પટેલ, નાયબ ઈજનેર બી.આર.ગોસાઈ, આર.ડી. લશ્કરી,પૂર્વ વોર્ડ પ્રમુખ રામભાઈ આહીર અને રાજકોટ મહાનગરપાલિકા અને પી.જી.વી.સી.એલ.ના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.