લોકમેળામાં ટીઆરપી કાંડ ઉજાગર કરવા સ્ટોલ માંગતી કોંગ્રેસ
ભાજપ સરકારની સિદ્ધિઓ પ્રદર્શિત કરવા સ્ટોલ નાખવામાં આવે છે તે જ રીતે પ્રજાના પ્રશ્નને વાચા આપવા સ્ટોલ માંગ્યો
આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને ઉજાગર કરવા તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સરકારના માહિતી વિભાગને જે રીતે સ્ટોલ ફાળવવામાં આવે છે તે જ રીતે ફી વસુલ કરી કોંગ્રેસને સ્ટોલ ફાળવવામાં આવે તેવી ગુરુવારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માંગ કરવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરતા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટના લોકમેળામાં સરકારી તંત્ર દ્વારા સરકારી યોજનાની વિગતો દર્શાવતા સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં સરકારની યોજનાઓને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે અને સરકારના કામોના વખાણ કરવા તથા તેનો પ્રચાર કરવા માટે આવા સ્ટોલ માહિતી નિયામક તથા સરકારના અન્ય વિભાગના સ્ટોલો રાખવામા આવે છે. તેવા સ્ટોલ માં સરકારની સફળતા બતાવવા માટે નું આયોજન થાય છે સામે પક્ષે વિરોધપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે પણ આ વખતે રાજકોટનાટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટના તથા પ્રજાની મુશ્કેલીઓને ઉજાગર કરવા લોકમેળામાં સ્ટોલ માટે જગ્યા ફાળવવા માંગ કરી છે.
વધુમાં સરકારી તંત્ર જે સરકારી યોજનાને પ્રદશિત કરવા માટે જે ભાવે સ્ટોલ આપવામાં આવે છે તેવા નિયત ભાવોથી અમો પણ સ્ટોલની જગ્યા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જનતાનો આવાજ તથા તેમના વિચારોને નિષ્ઠુર તથા બહેરી સરકારને ગુજરાતની વેદના અને મુશ્કેલીઓને વાચા આપવા કોંગ્રેસ પક્ષ મક્કમતાથી અવાજ બનીને સરકાર ને સાચી સ્થિતિનો ચિતાર બતાવવા માટે લોકમેળામાં સ્ટોલમાં વિગતો પ્રદશિત કરવા માટે અમોને પ્રજાના હિતમાં સ્ટોલ માટે જગ્યા ફાળવવામાં આવે તેવી લેખિત માં માંગણી કરીએ છીએ સાથે જ ભારતમાં લોકશાહી જીવંત છે તેમાં બધાને બોલવાનો અને વિરોધ કરવાનો અધિકાર છે તેવુ સહીત કરવા પણ સ્ટોલ અચૂક પણે ફાળવવામાં આવે તેવી અંતમાં માગ કરી હતી.