સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના ચુકવણામાં ગોલમાલ મામલે કોંગ્રેસનું હલ્લાબોલ
પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ કૌભાંડ કર્યાનો આક્ષેપ
સમગ્ર સિવિલ હોસ્પિટલને જુદા-જુદા વિભાગોમાં વહેંચી 3.54 કરોડનો કડદો કરી લેવાયો
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીના કાર્યકાળમાં ફાયર સેફટીના સાધનોના મેઈન્ટનન્સ કોન્ટ્રાક્ટના નામે અમદાવાદની વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની સાથે મળી એક જ વર્ષમાં અલગ અલગ સમયે અનેક બીલો બનાવી રૂપિયા 3 કરોડ 54 લાખ 32 હજાર 638ના ચકચારી કૌભાંડમાં સોમવારે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોએ હલ્લાબોલ કરી કમલમ કાર્યાલય માલામાલ આરોગ્યતંત્ર બેહાલ, મંત્રી સાંસદ જવાબ આપો, ભ્રષ્ટાચારી આરોગ્યમંત્રી લકવાગ્રસ્ત સહિતના પ્લે કાર્ડ સાથે દેખાવો કરી સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019-20માં અમદાવાદની વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીને સિવિલ હોસ્પિટલના ફાયર સેફટીના સાધનોની જાળવણી અને મરમતનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટ પૂરો થતા ટેન્ડર કરવામાં આવ્યા હતા જેમાં તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ વધુ ભાવ આવ્યા હોવાનું જણાવી નવા ટેન્ડર કરવાને બદલે વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની પાસે જ કામ ચાલુ રખાવી કારીગીરી કરી આખી સિવિલ હોસ્પિટલના કામને અલગ અલગ હિસ્સામાં વહેંચી નાખી વર્ષમાં એક જ વખત ચુકવણા કરવાને બદલે અનેક વખત ચુકવણા કરી સરકારની તિજોરીમાંથી 3.54 કરોડથી વધુ નાણાંનો ચૂનો લગાવ્યો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને કોંગી અગ્રણી તેમજ એડવોકેટ અશોકસિંહ વાઘેલાએ ફાયરસેફટી કૌભાંડ વિષે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 1.84 લાખમાં સિવિલ હોસ્પિટલના ફાયર સેફટીના સાધનોની જાળવણી માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યા બાદ વર્ષ 2020માં ચાલાકી પૂર્વક સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી, આરએમઓ, અને વહીવટી અધિકારીએ નવા ટેન્ડરમાં ભાવ ઉંચા આવ્યા હોવાનું કહી વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની સાથે કામ ચાલુ રાખી 1.84 લાખના વાર્ષિક કોન્ટ્રાક્ટના ભાગલા પાડી અલગ અલગ વિભાગનું વર્ગીકરણ કરી ચુપચાપ રીતે મીલીભગત કરી 3.54 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિક તેમજ ગાંધીનગરથી વિજિલન્સ તપાસ કરી દોષિતો સામે પગલાં ભરી પ્રજાના નાણાંની વસુલાત કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી હતી.
સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર મામલે રજૂઆત સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી,એડવોકેટ અશોકસિંહ વાઘેલા, એડવોકેટ જસવંતસિંહ ભટ્ટી, તુષાર નંદાણીયા, સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા, અજીત વાંક, મયુરસિંહ પરમાર, મથુરભાઈ માલવી, કેતન ત્રાડા, ગૌરવ પુજારા, નંદાભાઈ ડાંગર, ગેલાભાઈ મુછડીયા, જશાભાઈ કુગશિયા, હરેશ પરમાર, દીલપભાઈ આશવાણી અને દીપુબેન રવૈયા સહીત મોટી સંખ્યામા કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.
સરકારને રિપોર્ટ કરવામાં આવશે : ડો.મોનાલી માકડીયા
રાજકોટ સિવિલ હોસ્પિટલના તત્કાલીન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી અને આરએમઓ સહિતના અધિકારીઓ દ્વારા ફાયર સેફટીના મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટના નામે 3,54 કરોડનું કૌભાંડ કરવા મામલે કોંગ્રેસ તપાસની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યા બાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની રજુઆત ગંભીર છે. સમગ્ર મામલે તેઓ ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કરી વડી કચેરીના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.