કોંગ્રેસે કહ્યું, કોન્ટ્રાક્ટરને દંડ ફટકારો-બ્લેકલિસ્ટ કરો: ડાયરેક્ટરે કહ્યું, હા, એમ જ કરશું !
રાજકોટ એરપોર્ટ પર કેનોપી તૂટી પડવાની દૂર્ઘટના
આવું કેવી રીતે બન્યું તેની તપાસ કરવા દિલ્હીથી ટીમના રાજકોટમાં ધામા
એરપોર્ટ પર મુસાફરોને તકલીફ પડે એટલે વડાપ્રધાનને ફોન કરવાનો ? એરપોર્ટ પર રૂબરૂ જઈને ડાયરેક્ટરને ઢંઢોળ્યા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનો ડોમ એક ઈંચ વરસાદ પણ ખમી શકે તેમ ન હોવાથી ડોમની એક બાજુની કેનોપી તૂટી પડવાની દૂર્ઘટના બનતાં એરપોર્ટ પર ઉભા રહેવામાં પણ પેસેન્જરોને ડર લાગી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસે આ મુદ્દે એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને ઢંઢોળીને અણિયાળા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. કોંગ્રેસે ડાયરેક્ટરને ભારપૂર્વક કહ્યું હતું કે ટર્મિનલનું કામ કરનાર કોન્ટ્રાક્ટર એજન્સીને દંડ ફટકારી તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. આ રજૂઆત સાંભળીને ડાયરેક્ટર બોરાહે પણ `હા, એમ જ કરશું’નો જવાબ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ એરપોર્ટ ડિરેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા પ્રમાણે એરપોર્ટનું લોકાર્પણ થયું ત્યારથી કઈને કઈ અજુગતું બની રહ્યું છે. એરપોર્ટના તંત્રવાહકો પેસેન્જર્સને સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યા છે એટલું જ નહીં હવે તો મુસાફરોને સલામતિની આશા પણ રહી નથી. ઈન્ટરનેશનલ એરપોર્ટ બદનામ થઈ જતાં મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી ટ્રાવેલ કરવા લાગ્યા છે. કેનોપી તૂટી પડવાની ઘટના બીજી વખઘત બની છે એટલા માટે ત્રીજી વખત આવું ન બને તેનું ધ્યાન રાખજો. આ ઉપરાંત કોંગ્રેસે ૧૧ પ્રશ્નો પણ પૂછયા છે.
દરમિયાન કેનોપી તૂટી પડવાની ઘટનાના પડઘા દિલ્હી સુધી પડ્યા હોય ટીમ રાજકોટ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.