અમરેલીમાં કોંગ્રેસ અને ભાવનગરમાં આપના ઉમેદવારી ફોર્મ મંજુર
ચૂંટણી અધિકારીએ વાંધા ફગાવ્યા : જેનીબેન ઠુમ્મર અને ઉમેશ મકવાણાને રાહત
લોકસભાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારી પત્ર પાછા ખેંચવા માટે સોમવારે છેલ્લો દિવસ છે પરંતુ એ પૂર્વે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને મોટી રાહત પહોંચી છે. જે તે ચૂંટણી અધિકારીએ આ બંને ઉમેદવારના ફોર્મ મંજુર કરી દીધા છે.
અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર દ્વારા ફોર્મમાં વિસંગતતાઓ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. ફોર્મમાં વિસંગતતાઓનાં કારણે ફોર્મ રદ્દ કરવાની ભાજપે રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસનાં ઉમેદવારને પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા તમામ આધાર પુરાવાઓ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા. કોંગ્રેસ અને ભાજપનાં વકીલો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ દલીલો કરવામાં આવી હતી. જો કે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી જિલ્લા ચૂંટણી અધિકારીએ ભાજપના વાંધા ફગાવી દીધા હતા અને જેનીબેનના ફોર્મને માન્ય રાખ્યું હતું.
બીજી તરફ ભાવનગર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું. એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાજપે વાંધા અરજી રજૂ કરી ઉમેશ મકવાણાનાં ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. ભાજપે કહ્યું હતું કે, 2022 માં રજૂ કરેલ એફિડેવિટ અને 2024 ની એફિડેવિટમાં આવક અલગ દર્શાવાઈ હતી. તેમના પત્નીની હાથ પરની રોકડ દર્શાવી તેના કરતા આવક વધુ દર્શાવાઈ હતી. ઉમેશ મકવાણા કંપનીમાં ડાયરેક્ટર છે તેની આવકનો સ્ત્રોત દર્શાવાયો ન હતો. તેમજ શિક્ષણની માહિતી પણ અધુરી બતાવાઈ હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો.જો કે આ અંગેની સુનાવણી બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ ભાજપના વાંધા ફગાવી દીધા હતા.