કોંગ્રેસની આંખમાં કમળો છે એટલે તેને બધે કમળો (ખાડા) જ દેખાય છે !
ઢોંગી કોંગ્રેસના ઠાલા વચનોથી રાજકોટ થાકી ગયું છે: ખુદ પક્ષ ખાડે ગયો હોવાથી તેને બીજું નજર પણ શું આવે ? ભાજપ નગરસેવકોના આકરાં ચાબખાં
તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા વરસાદ બાદ અલગ-અલગ રસ્તા ઉપર પડી ગયેલા ખાડાની તસવીરો જાહેર કરવામાં આવ્યા બાદ પાંચ દિવસમાં ઠીક નહીં કરાય તો પોતે જ બૂરવાનું એલાન કર્યા બાદ ભાજપ દ્વારા તેના આ આક્ષેપોનો સણસણતો જવાબ આપવામાં આવ્યો છે. ભાજપ નગરસેવકોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસની આંખમાં કમળો હોવાથી તેને બધે કમળો (ખાડા) જ દેખાઈ રહ્યા છે.
આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ કમિટી ચેરમેન અશ્વિન પાંભર, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશ દેથરીયાએ જણાવ્યું કે શહેરની જનતાએ ભાજપમાં ભરપૂર વિશ્વાસ રાખી શહેરના શાસનની ધૂરા સોંપી છે. કોંગ્રેસ શહેરીજનોનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.
કોંગ્રેસ દ્વારા શહેરના વિકાસકાર્યોમાં રોડા નાખવાનું જ કામ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા પાયા વગરની જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનું શાસન હંમેશા `પેપર ટાઈગર’ જેવું જ રહ્યું છે. તંત્ર વરસાદી ઋતુ દરમિયાન પણ સતત કાર્યરત રહી જાહેર માર્ગો પર પડેલા ખાડા ઝડપથી બૂરી સમસ્યાનો નિકાલ કરી રહ્યું છે. કેટલાક વર્ષો દરમિયાન ઋતુચક્રમાં ફેરફારને કારણે વરસાદના જથ્થા અને તીવ્રતામાં પણ વધારો થયો છે એટલા માટે ચોમાસું પૂર્ણ થાય એટલે તુરંત પેવરકામ શરૂ કરી દેવાશે.