શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી પૂરી કરાવનાર પોલીસને અભિનંદન: વિકાસ સહાય
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરતાં ડીજીપી
રાજકોટ પોલીસ કમિશનર, રેન્જ આઈજી, એસપી ઉપરાંત ભાવનગર-જૂનાગઢ રેન્જ આઈજી, એસપી સાથે મહત્ત્વપૂર્ણ બેઠક
ચૂંટણી દરમિયાન પોલીસે મેળવેલા અનુભવના આધારે આગામી સમયની રણનીતિ ઘડાશે
રાજકીય પક્ષો-મતદારોનો પણ માન્યો આભાર
રાજકોટ સહિત ગુજરાતમાં આ વખતે ક્ષત્રિય આંદોલનને કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ હતી. આટલી વિપરિત પરિસ્થિતિ વચ્ચે તમામ બેઠકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થતાં રાજકીય પક્ષોની સાથે જ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ચૂંટણીલક્ષી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સુરત, વડોદરા બાદ બુધવારે રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી. અહીં તેમણે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી પૂરી કરાવનાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થા અંગેની સ્થિતિની પણ એકાદ કલાક સુધી ચાલેલી બેઠકમાં સમીક્ષા કરી હતી.
ડીજીપી રાજકોટ આવ્યા બાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે જે બદલ પોલીસે રાત-દિવસ કરેલી મહેનત કારણભૂત છે. હું અહીં રાજકોટ સહિત સમગ્ર ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવવા માટે આવ્યું છે. મારી હૃદયપૂર્વકની ઈચ્છા હતી કે હું રાજકોટ આવીને શહેર-જિલ્લાની પોલીસને અભિનંદન આપું. આ ઉપરાંત બેઠકમાં જૂનાગઢ-ભાવનગરના રેન્જ આઈજી અને એસપી પણ ઉપસ્થિત છે હું તેમને પણ શુભેચ્છા પાઠવું છું.
ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ઈસીઆઈ)ના આદેશનું ચુસ્ત પાલન થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ-ચાર મહિનાથી મહેનત કરવામાં આવી હતી જેના પરિણામે ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થવા પામી છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓના ચૂંટણી દરમિયાનના અનુભવની પણ નોંધ લેવાઈ છે અને તેના આધારે આગામી ચૂંટણીઓમાં રણનીતિ ઘડવામાં આવશે. આ તકે તેમણે રાજકીય પક્ષો તેમજ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં ડીજીપી વિકાસ સહાય ઉપરાંત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી સજનસિંહ પરમાર, સુધીરકુમાર દેસાઈ, એસપી જયપાલસિંહ રાઠૌર ઉપરાંત જૂનાગઢ, ભાવનગર રેન્જ આઈજી તેમજ એસપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
